વાંસદાના ચારણવાડામાંથી ગેરકાયદેસર દેશી બંદૂક અને છરા સાથે ઍક ઝડપાયો
- byDamanganga Times
- 10 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૯ ઃ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને વાંસદા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હરેશ ચાંદુના માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસે આર્મ્સ ઍક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત વાંસદા પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શનિવારે વાંસદાના ચારણવાડા ગામના ઉપલુ ફળિયા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થાનિક રહેવાસી ફુલજીભાઇ ડુબલુભાઇ માહલા (ઉં.વ. ૫૦) ના ઘરની તપાસ કરતા તેના મકાનમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ૧ બંદૂક, ૧ લોખંડનો સળિયો, ૮ નંગ પારાના છરા તેમજ કાપડ અને કાગળના ટુકડા મળી આવ્યા હતા, જેને પોલીસે મુદ્દામાલ તરીકે જ કરી આરોપીની અટકાયત કરી હતી.
આ અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૮૨૨૦૦૩૨૬૧૦૦૭/૨૦૨૬ થી આર્મ્સ ઍક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરી વાંસદા પોલીસ ઇન્સપેક્ટર જયદીપસિંહ ચાવડા પોલીસ સબ ઇન્સપેક્ટર ઍસ. વી. ચોસલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર ઍસ. વી. ચોસલા ચલાવી રહ્ના છે.
