નારગોલ બીચ પર ૧૫ ટનથી વધુ કચરો નિકળ્યો
- byDamanganga Times
- 10 August, 2026
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ સાથે જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જિલ્લા વહીવટી તંત્રને દરેક મહિનાના પ્રથમ રવિવારે સફાઈ અભિયાન હાથ ધરવા માટે આહવાન કરી પોતે પણ આજે રવિવારે ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે પહોંચી કચરો ઉપાડી સફાઈ અભિયાનના શ્રીગણેશ કરાવ્યા હતા. સાથે સમગ્ર જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનનો જન આંદોલન તરીકે જોરશોરથી પ્રારંભ કરાવ્યો છે. આ સફાઈ અભિયાનમાં તેમની સાથે વિવિધ સંસ્થા, શાળા અને સ્થાનિક વહીવટી તંત્ર અને ગામના આગેવાનો મળી ૧૨૦૦થી વધુ લોકો જોડાયા હતા અને અંદાજે ૧૫ ટનથી વધુ કચરો ઍક્ત્ર કરી નારગોલ બીચને સ્વસ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સફાઈ અભિયાનમાં જિલ્લા પંચાયતના સભ્ય ભાવિનીબેન મીટના, તાલુકા પંચાયત સભ્ય ઉપેન્દ્ર ટંડેલ, પ્રાંત અધિકારી નિરવ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી પંકજ પરમાર, ભારતીય કિસાન સંઘના પ્રમુખ જયપ્રકાશ ભંડારી અને ટાટા વાડીયા હાઈસ્કૂલના આચાર્ય પંકજ પરમાર સહિતના આગેવાનો જોડાયા હતા.
હજુ માત્ર ૨૦ ટકા જ સફાઈ!
નારગોલમાં આજે હાથ ધરાયેલા દરિયા કિનારાના સફાઈ અભિયાનમાં ૧૨૦૦થી વધુ લોકોઍ જાડાઈને ૧૫ ટનથી વધુ કચરો ઍકત્ર કર્યો હતો. નારગોલના સરપંચ સ્વીટી યતીનભાઈ ભંડારીઍ જણાવ્યું કે, નારગોલ બીચ પાંચ કિમીનો દરિયો કાંઠો ધરાવે છે. જેના પર માલવણ બીચ, માંગેલવાડ બીચ અને ઈકો ટુરિઝમ બીચ આવેલા છે. આજના સફાઈ અભિયાનમાં અંદાજે બે કિમી જેટલા દરિયા કાંઠે સફાઈ અભિયાન હાથ ધરાયુ છે. જેમાં ૨૦ ટકા જેટલા દરિયા કાંઠાની સફાઈ કરાઈ છે હજુ ૮૦ ટકા બાકી છે.
જિલ્લાના દરિયા કિનારા ગંદા કરશો તો દંડાશો
જિલ્લા કલકેટરે દરિયા કાંઠાનો અમુક અમુક ભાગ વિવિધ સંસ્થાઓને સોંપી દેવા અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી સોંપવા સૂચન કર્યુ છે. આ સિવાય વલસાડ જિલ્લાના નારગોલ અને તિથલ સહિત કોઈપણ બીચ પર જે પણ ગંદકી કરશે તેના ફોટા પાડી તેને રૂ. ૧૦૦૦નો દંડ અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. જે માટે પોલીસને પણ ત્વરિત ઍકશન લેવા કલેકટરે સૂચન કર્યુ છે.
સફાઈ અભિયાનમાં કોણ કોણ જાડાયું ?
વલસાડ જિલ્લો પણ સ્વચ્છ અને સુંદર બને તે માટે જિલ્લા કલેકટર નીતિન સાંગવાને નવો અભિગમ અપનાવી સફાઈ અભિયાન હાથ ધરી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓને પણ સામેલ કરી છે. આ ઉપક્રમ હેઠળ આજે નારગોલ બીચ ખાતે કલેકટરઍ કચરો ઉપાડી સફાઈ અભિયાનના શ્રી ગણેશ કરાવ્યા હતા. તેમની સાથે અભિયાનમાં નારગોલ ગામના સરપંચ સ્વીટી યતીનભાઈ ભંડારી, નારગોલની ટાટા વાડીયા હાઈસ્કૂલ, જલારામ હાઈસ્કૂલ, દક્ષિણા વિદ્યાલય અને માધ્યમિક- ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, નારગોલ ગ્રામ પંચાયત, ઉમરગામ નગરપાલિકા, ઉમરગામ ટાઉનનું સોશિયો કલીનર ગૃપ, દહેરી ગ્રામ પંચાયત, ઉમરગામ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશન, રોટરી કલબ ઓફ ઉમરગામ, મરીન પોલીસ કમાન્ડો ટીમ, નારગોલ મરીન પોલીસ સ્ટેશન, ફોરેસ્ટ વિભાગની ટીમ અને ગામના આગેવાનો મળી અંદાજે ૧૨૦૦થી વધુ લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જાડાયા હતા.
