Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

પીક અવર્સમાં ઃ બલીઠાથી ટોલનાકા સુધી ટ્રાફિક જામથી નોકરિયાતો ત્રાહિમામ

પીક અવર્સમાં ઃ બલીઠાથી ટોલનાકા સુધી ટ્રાફિક જામથી નોકરિયાતો ત્રાહિમામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વલસાડ-વાપી વચ્ચે રોજિંદી અવરજવર કરતા હજારો નોકરિયાતો અને વાહનચાલકો માટે વાપીના બલીઠાથી ટોલનાકા સુધીનો માર્ગ હાલ ભારે મુશ્કેલીનું કારણ બન્યો છે. ખાસ કરીને સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન આ ટૂંકું અંતર કાપવામાં ૪૫ મિનિટથી ઍક કલાક જેટલો સમય લાગી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્ના છે.
તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓનું તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં ટ્રાફિકની સમસ્યામાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. ટ્રાફિકના અસરકારક સંચાલનના અભાવે ભારે વાહનો, ખાસ કરીને લોડેડ ટ્રક અને ટ્રેલરો, પ્રથમ અને બીજી લેનમાં ૧૦થી ૨૦ કિમી પ્રતિ કલાકની ધીમી ગતિઍ આગળ વધતાં હોવાથી તેમની પાછળ વાહનોની લાંબી કતારો સર્જાઈ જાય છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી પ્રમાણમાં ટ્રાફિક પોલીસની હાજરી જોવા મળતી નથી. જ્યાં ટ્રાફિકનું નિયમન જરૂરી હોય છે ત્યાં પોલીસ કર્મચારીઓની ગેરહાજરી અથવા નિષ્ક્રિયતાના કારણે વાહનવ્યવહાર વધુ અસ્તવ્યસ્ત બની જાય છે. પરિણામે બલીઠાથી ટોલનાકા સુધીનું અંતર કાપવામાં સામાન્ય દિવસોમાં પણ પોણાથી ઍક કલાક જેટલો સમય વેડફાઈ રહ્ના છે.
આ સ્થિતિના કારણે નોકરીઍ જતાં કર્મચારીઓ, ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકો, વેપારીઓ તેમજ અન્ય વાહનચાલકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે.
 સ્થાનિકોઍ જિલ્લા પ્રશાસન, ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્રને પીક અવર્સ દરમિયાન અસરકારક ટ્રાફિક વ્યવસ્થાપન, ભારે વાહનોના નિયમન તેમજ જરૂરી સ્થળોઍ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.