Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

પાનવા ગ્રુપ ગ્રામ પંચાયતને મળી ૧૦૮ ઍમ્બ્યુલન્સની ભેટ

પાનવા ગ્રુપ ગ્રામ પંચાયતને મળી ૧૦૮ ઍમ્બ્યુલન્સની ભેટ


ધરમપુર, તા.૦૬ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર માટે  પાનવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સતિષભાઈ ચૌધરી દ્વારા આ વિસ્તારમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત અંગે સિદુંબર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને હકારાત્મક રીતે ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગ દ્વારા પાનવા ગ્રામ પંચાયતને ૧૦૮ ઍમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
આ નવી સુવિધાના પ્રારંભ સાથે હાલમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સની સેવા દરરોજ ૧૨ કલાક કાર્યરત રહેશે. આરોગ્ય વિભાગના માપદંડ મુજબ દર મહિને ૨૦૦થી વધુ દર્દીઓ સેવા લેશે તો આ સેવા ૨૪ કલાક માટે વિસ્તૃત કરવામાં આવશે, જેના કારણે સમગ્ર વિસ્તારને વધુ સગવડ મળશે.પાનવા ઉપરાંત ટીટુખડક, ઉકતા, દાંડવડ, સિદુંબર, કેળવણી, પીરમાળ, રાનવેરી, ચિચોઝર અને બરૂમાળ સહિત આસપાસના અનેક ગામોના લોકોને હવે તાત્કાલિક આરોગ્ય સેવા સરળતાથી ઉપલબ્ધ બનશે. અત્યાર સુધી આ વિસ્તારમાં સર્પદંશ, પ્રસુતિ તેમજ અન્ય ગંભીર અને સામાન્ય બીમારીઓના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે ૧૦૮ ઍમ્બ્યુલન્સ શરૂ થતાં દર્દીઓને સમયસર સારવાર મળી શકશે અને કિંમતી જીવ બચાવવામાં મદદ મળશે.
આજરોજ પાનવા ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરીના હસ્તે કંકુપ્રતિલક કરી ૧૦૮ ઍમ્બ્યુલન્સ સેવાનો શુભ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પાનવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સતિષભાઈ ચૌધરી, ગ્રામ પંચાયતના સભ્ય શંકરભાઈ, ગામના આગેવાનો તેમજ ૧૦૮ ઍમ્બ્યુલન્સના કર્મચારીઓ ઉપસ્થિત રહી નવી આરોગ્ય સેવાનું સ્વાગત કર્યું હતું.
સ્થાનિક લોકોમાં આ નવી સુવિધાને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનોનું માનવું છે કે અંતરિયાળ વિસ્તારમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ થતાં ઇમરજન્સી સમયે દર્દીઓને ઝડપી સારવાર મળી રહેશે અને આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે.