Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

વાપીના ઍડવોકેટો આજે પણ કોર્ટ કામગીરીથી અળગા રહ્નાં

વાપીના ઍડવોકેટો આજે પણ કોર્ટ કામગીરીથી અળગા રહ્નાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ જિલ્લા કોર્ટોમાં રજૂ થતા દસ્તાવેજો માટે ઍ-૪ સાઇઝના પેપર, નિર્ધારિત ફોન્ટ, માર્જિન અને કોમ્પ્યુટરાઇઝ્ડ ફોર્મેટ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા નોટિફિકેશનના વિરોધમાં વાપી બાર ઍસોસિઍશને આજે કોર્ટની કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ આગામી દિવસોમાં પણ આ લડત ચાલુ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. પ્રા માહિતી મુજબ, વાપી બાર ઍસોસિઍશનના પ્રમુખ સતિષભાઈ પટેલની આગેવાની હેઠળ વાપી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોઍ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. ૧૫ ઍપ્રિલ, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અને તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી અમલમાં આવેલા નવા નિયમો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. વકીલોનું કહેવું છે કે હવે કોર્ટમાં રજૂ થતી તમામ અરજીઓ નિર્ધારિત ફોર્મેટમાં કોમ્પ્યુટરાઇઝ્ડ તૈયાર કરી રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ ઘણી વખત આરોપી અથવા અરજદાર ગેરહાજર હોય, મુદત લેવાની જરૂરિયાત ઊભી થાય અથવા અન્ય તાત્કાલિક અરજીઓ રજૂ કરવાની હોય ત્યારે સ્થળ પર જ ટાઇપિંગ અને પ્રિન્ટિંગ કરાવવું વ્યવહારિક રીતે શક્ય બનતું નથી.
વકીલોઍ વધુમાં જણાવ્યું હતું કે ગેરહાજરી રિપોર્ટ સહિતના અનેક દસ્તાવેજોમાં સ્થળ પર હાથથી વિગતો ભરવી પડતી હોય છે, જે ઝડપી અને સરળ પ્રક્રિયા છે. ઉપરાંત દરેક વકીલ પાસે પોતાની ઓફિસ, લેપટોપ, કોમ્પ્યુટર કે પ્રિન્ટરની સુવિધા ઉપલબ્ધ હોતી નથી, જેના કારણે નવા નિયમોનો સંપૂર્ણ અમલ કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
તેમજ જામીન મંજૂર થયા બાદ આરોપીને મુક્ત કરવા માટે જરૂરી ઍફિડેવિટ અને બોન્ડ જેવા દસ્તાવેજો તાત્કાલિક તૈયાર કરવાની જરૂર પડતી હોય છે, જે દરેક વખતે કોમ્પ્યુટરાઇઝ્ડ ફોર્મેટમાં તૈયાર કરવું મુશ્કેલ હોવાનું પણ વકીલોઍ જણાવ્યું હતું.
આ તમામ વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વાપી બાર ઍસોસિઍશને અગાઉથી ચાલતા દસ્તાવેજોના ફોર્મેટને યથાવત રાખવાની માંગ કરી છે. આ માંગ સાથે ઍસોસિઍશને ગુજરાત હાઇકોર્ટના નવા સર્ક્યુલરનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે અને તા. ૬ ઓગસ્ટ, ૨૦૨૬થી નિર્ધારિત સમયગાળા સુધી કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.