વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે ધરમપુર પોલીસની ડીજે સંચાલકો સાથે મિટિંગ યોજાઈ
- byDamanganga Times
- 07 August, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૬ ઃ આગામી ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને આજરોજ ધરમપુર પોલીસ મથકે ડીજે સંચાલકો અને આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધરમપુર પોલીસ મથકના પીઆઈ નીખીલભાઈ ભોયાઍ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ડીજે પર કોઈપણ પ્રકારના વલ્ગર કે અશ્લીલ ગીતો વગાડવામાં આવશે નહીં અને સાંસ્કૃતિક માહોલ જળવાઈ રહે તે માટે તમામ સંચાલકોઍ સહકાર આપવો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે સંચાલકોઍ પોલીસની પૂર્વ પરવાનગી મેળવી હશે તેમને જ ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવશે. પરવાનગી વિના ડીજે વગાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરી ડીજે કબજે લેવામાં આવશે. આ ઉપરાંત ડીજેની ઊંચાઈ પણ નિર્ધારિત મર્યાદામાં રાખવા સૂચના આપવામાં આવી હતી, પોલીસે તમામ સંચાલકોને કાયદાનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા અપીલ કરી હતી.
