Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

વાપીથી તાપીના પુર અસરગ્રસ્ત કચ્છી ભાનુશાલી પરિવારોને સહાય કરાશે

વાપીથી તાપીના પુર અસરગ્રસ્ત કચ્છી ભાનુશાલી પરિવારોને સહાય કરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વાપી, તા. ૦૬ ઃ તાજેતરમાં ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાત અને વાપી તેમજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે સેલવાસ તેમજ આસપાસના વિસ્તારોમાં અનેક કચ્છી ભાનુશાલી પરિવારોને ઘરવખરી અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ સંજોગોમાં સમાજના અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવાના હેતુથી સંત શ્રી ઓધોરામ સત્સંગ મંડળ તથા શ્રી વાલરામ પાંજરાપોળ (રાતા તળાવ)ના હોદ્દેદારો અને પદાધિકારીઓઍ શ્રી કચ્છી ભાનુશાલી સેલવાસ મિત્ર મંડળની શુભેચ્છક મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન તાજેતરના વરસાદથી અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તેમને જરૂરી સહાય અને વળતર ઉપલબ્ધ કરાવવા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. શ્રી વાલરામ પાંજરાપોળના પદાધિકારી મનજીભાઈ માવેઍ જણાવ્યું હતું કે, વાપીથી લઈને તાપી સુધીના વિસ્તારમાં પૂરના કારણે જે કચ્છી ભાનુશાલી પરિવારોને નુકસાન થયું છે અથવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેમને સહાય અને વળતર પેટે શક્ય તમામ મદદ કરવામાં આવશે.
શ્રી કચ્છી ભાનુશાલી સેલવાસ મિત્ર મંડળના હોદ્દેદારોઍ સંત શ્રી ઓધોરામ સત્સંગ મંડળ તથા શ્રી વાલરામ પાંજરાપોળના હોદ્દેદારોનો શુભેચ્છક મુલાકાત બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજની ઍકતા, સહકાર અને સેવાભાવની ભાવના આવા મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે.