વલસાડ જિલ્લામાં ૯૫ ઉમેદવારોને શાળા પસંદગી બાદ નિમણૂંક ઓર્ડર અપાયા
- byDamanganga Times
- 07 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરની આર જે જે સ્કૂલ ખાતે ભરતી પ્રક્રિયાના બીજા તબક્કાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ પારદર્શિતા અને મેરિટના ધોરણે હાથ ધરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ ડૉ. રાજેશ્રી ઍલ. ટંડેલની ઉપસ્થિતિમાં ઉમેદવારો માટે શાળા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજા તબક્કામાં માધ્યમિક વિભાગના ૪૫ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૫૦, ઍમ કુલ ૯૫ ઉમેદવારોઍ મેરિટના આધારે પોતાની પસંદગી મુજબ શાળાની પસંદગી કરી હતી. શાળા પસંદગી પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોને ૧૧ માસના કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે નિમણૂક ઓર્ડર ઍનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉ. રાજેશ્રી ઍલ. ટંડેલે નિયુક્ત જ્ઞાન સહાયકોને અભિનંદન પાઠવ્યા હતાં. આ સમગ્ર ભરતી પ્રક્રિયાનું આયોજન જ્ઞાન સહાયક ભરતીના જિલ્લા નોડલ અધિકારી તથા શિક્ષણ નિરીક્ષક બિપીનભાઈ પટેલના માર્ગદર્શન અને સંકલન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ભરતીથી જિલ્લાની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યને વધુ મજબૂતી મળશે તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
