સુખાલામાં સરપંચે જ સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું!
- byDamanganga Times
- 07 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૬ ઃ સુખાલા ગ્રામ પંચાયતનો વિવાદ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચ્યો છે. ઍક તરફ ગામના અગ્રણીઓ અને ગ્રામજનોઍ તાલુકા વિકાસ અધિકારી (વ્ઝ઼બ્)ને આવેદનપત્ર આપી સરપંચ સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરી છે, તો બીજી તરફ સરપંચ શંકરભાઈ જીવલાભાઈ પટેલે પોતાનું સ્વૈચ્છિક રાજીનામું રજૂ કરતાં સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. ગ્રામજનોઍ રજૂ કરેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તા. ૪ ઓગસ્ટે યોજાયેલી ગ્રામસભામાં પંચાયતના વિકાસકામો અને વહીવટ અંગે ચર્ચા દરમિયાન કેટલાક વિકાસકામોમાં થયેલા આક્ષેપિત ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર માટે ડેપ્યુટી સરપંચ તથા વોર્ડ નં. ૪ના ઍક સભ્યની ભૂમિકા સામે આવી હોવાનું ગ્રામજનોઍ રજૂઆતમાં જણાવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આક્ષેપોની નિષ્પક્ષ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સરપંચનું રાજીનામું સ્વીકારવામાં ન આવે તેમજ તેમના વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસના પ્રસ્તાવની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે.
આવેદનમાં વધુમાં જણાવાયું છે કે આક્ષેપિત ભ્રષ્ટાચાર અંગે અગાઉ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર અને વિકાસ કમિડ્ઢર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તા. ૭ ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે બેઠક નક્કી કરવામાં આવતા ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. બીજી તરફ સરપંચ શંકરભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને આપેલા રાજીનામામાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧થી તેઓ સરપંચ તરીકે સેવા આપી રહ્ના છે. હાલ ૭૭ વર્ષની ઉંમર અને નબળી તબિયત તેમજ યાદશક્તિમાં ઘટાડાના કારણે છેલ્લા કેટલાક સમયથી પંચાયતના વહીવટી કાર્યો ડેપ્યુટી સરપંચ અને વોર્ડ નં. ૪ના સભ્ય પર વિશ્વાસ રાખીને સંભાળવા સોંપ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, બાદમાં વિકાસકામોમાં આક્ષેપિત ગેરરીતિઓ સામે આવતા તેઓ ગ્રામસભામાં ખુલાસો કરવા ઇચ્છતા હતા, પરંતુ સંબંધિત હોદ્દેદારો હાજર રહ્ના ન હોવાથી તે શક્ય બન્યું ન હતું.
રાજીનામામાં તેમણે ઍવો પણ આક્ષેપ કર્યો છે કે પોતાના ઉપર વિશ્વાસ રાખીને કરાવેલી સહીઓનો ગેરલાભ લેવાયો હતો અને ત્યારબાદ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું છે કે છેલ્લા અનેક દાયકાઓથી સહકારી અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હોવા છતાં તેમની સામે ક્યારેય ભ્રષ્ટાચારનો આરોપ નોંધાયો નથી. આથી તેમણે સ્વૈચ્છિક રીતે સરપંચપદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુખાલા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ૧૦ સભ્યોઍ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે ઍક તરફ ગ્રામજનો દ્વારા તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યવાહી અટકાવવાની માંગ અને બીજી તરફ સરપંચના રાજીનામા બાદ તાલુકા વિકાસ અધિકારી શું નિર્ણય લે છે તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે.
