Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

અંતે વલસાડ છીપવાડ ગરનાળું ખુલ્યું : હવે ૪૦ ગામોના લોકોને રાહત

અંતે વલસાડ છીપવાડ ગરનાળું ખુલ્યું : હવે ૪૦ ગામોના લોકોને રાહત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ ૧૫ દિવસ  અગાઉ વલસાડ જિલ્લામાં આવેલી ભયાનક રેલના કારણે નિશાળ વાળા વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. આ પૂર દરમિયાન વલસાડના મહત્વના ગણાતા છીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ જવાથી અંદરનો ડામરનો રસ્તો, પેવર બ્લોક અને સાઇડના ભાગે ભારે ધોવાણ થઈ ગયું હતું. રસ્તો બિસ્માર બનતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે વલસાડ-ખેરગામ રોડ પરથી આવતા આશરે ૪૦ જેટલા ગામોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. લોકોને પોતાના મોટા વાહનો લઈને ગુંદલાવ-ધરમપુર હાઇવે ચોકડી થઈને લાંબા અંતરે વલસાડ આવવું પડતું હતું.
આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને આજરોજ જિલ્લા પંચાયત સભ્ય સ્નેહલભાઈ પટેલ, પારડી સાંઢપોર  ગામના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, અન્ય સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો ઍકઠા થયા હતા. તેમણે વલસાડના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને છીપવાડ ગરનાળાનો રસ્તો યુદ્ધના ધોરણે તાત્કાલિક ખુલ્લો કરવા રજૂઆત કરી હતી.
આવેદનપત્ર અને સ્થાનિકોની માંગ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. વલસાડ નગરપાલિકા ,વલસાડ માર્ગ અને મકાન વિભાગ  તેમજ સંબંધિત અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી ગરનાળામાં જમા થયેલો કચરો અને મલબો હટાવી સાફ-સફાઈ હાથ ધરી હતી. રસ્તો પુનઃ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાતા જ દરરોજ અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ૪૦ ગામોના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.