Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

રાબડામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકનું વિતરણ કરાયું

રાબડામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૫ ઃ  વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલા  માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સંસ્થાપક શ્રી મહાપાત્રજીની પાવન પ્રેરણાથી, માં વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને માં આદર્શ ગામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટઁ દ્વારા રાબડા ગામની સાર્વજનિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ, નોટબુકો તેમજ ભોજન માટે થાળી-વાટકાના સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે તીર્થધામના સ્થાપક શ્રી મહાપાત્રજી સ્વયં ઉપસ્થિત રહ્ના હતાં અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતાં.
સમાજ સુધારણા અને લોક કલ્યાણને વરેલી આ સંસ્થાઓ દ્વારા પ્રતિવર્ષ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના સેંકડો વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડીને શિક્ષણનો માર્ગ સરળ બનાવવામાં આવે છે. આ સેવાયજ્ઞનું વિશેષ મહત્વ તો ઍ છે કે, કપરાડા અને ધરમપુર જેવા આર્થિક રીતે પછાત અને અંતરિયાળ વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને આ આર્થિક બોજમાંથી રાહત મળતા તેઓના ચહેરા પર અનેરો આનંદ અને સંતોષની લાગણી છવાઈ ગઈ હતી.
આ પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવવા બંને સંસ્થાઓના ટ્રસ્ટીઓ-કિશોરભાઈ ભલાણી, ચેતનભાઈ પટેલ, કિરીટભાઈ ડેડાણીયા અને રમેશભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્નાં હતાં. આ ઉપરાંત, સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્યશ્રી મિતેશભાઇ પટેલ તથા રાબડા ગામના અગ્રણીઓ સર્વશ્રી ભદ્રેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને સુમનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્નાં હતાં અને બંને સંસ્થાઓની આ ઉમદા કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી.