Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ભીલાડમાં ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

ભીલાડમાં ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૪ ઃઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી નિમિત્તે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન આર. દેસાઈઍ મહિલાઓના રક્ષણ, સશક્તિકરણ અને સમાનતા માટે અમલમાં રહેલા વિવિધ કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કમલેશ ગીરાસેઍ ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની મહત્વપૂર્ણ જોગવાઈઓ સમજાવી મહિલાઓ સામે થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક અત્યાચારના વિવિધ સ્વરૂપો અંગે જાગૃતિ ફેલાવી હતી.

ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર જીગ્નેશભાઈ પટેલે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહિત મહિલાઓ માટેની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલન્ટિયર જીસીલભાઈઍ મહિલાઓને તેમના કાનૂની અધિકારો તથા નિઃશુલ્ક કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

પી.આઈ. બી. કે. પટેલે પોક્સો ઍક્ટ, ફેમિલી લૉ તેમજ મહિલાઓ અને બાળકોના રક્ષણ માટેના મહત્વપૂર્ણ કાયદાઓ અંગે સમજણ આપી હતી. ઉપરાંત, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર સ્નેહાલીબેન પટેલ અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, વાપીની કાઉન્સેલર નેહાબેન પટેલે મહિલાઓને ઉપલબ્ધ કાઉન્સેલિંગ, સુરક્ષા અને સહાય સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.