વાપીનાં શિવાલયોમાં ઉ.ભા.નાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકો ઉમટ્યા
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩ ઃ ગુજરાતના વાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીની ઔદ્યોગિક વસાહતોમાં રોજગાર અને વ્યવસાય માટે વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજ માટે શ્રાવણ માસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આજે પ્રથમ સોમવાર હોવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
વાપીના સિદ્ધનાથ મહાદેવ મંદિર, નામધા સ્થિત ગુેશ્વર મહાદેવ મંદિર, કુંતા ગામના કુંતેશ્વર મહાદેવ મંદિર, રાતાના રામેશ્વર અને લવાછાના રામેશ્વર મહાદેવ મંદિરે તેમજ દમણના કચીગામ ગામે આવેલ કંટેશ્વર મહાદેવ મંદિર તેમજ ડાભેલના સોમનાથ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વડીલોઍ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી.
મંદિરોમાં વહેલી સવારથી જ દિવસભર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અનેક ભક્તોઍ ઉપવાસ રાખી ભગવાન શિવને જળ, દૂધ, બિલ્વપત્ર અને ફૂલ અર્પણ કરીને પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિરોમાં દર્શનાર્થીઓની સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ મંદિરના સંચાલકો અને ટ્રસ્ટીઓ તેમજ સ્વયંસેવકો તથા પૂજારી દ્વારા કરવામાં આવી હતી.
