Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

બીલીમોરા કેળવણી મંડળનો ૫૦ વર્ષનો ડેટા પાણીમાં ગરકાવ !

બીલીમોરા કેળવણી મંડળનો ૫૦ વર્ષનો ડેટા પાણીમાં ગરકાવ !


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૩ ઃ તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદ અને નદીમાં આવેલા પૂરે બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શાળાઓ, કોલેજો, જીમખાના અને સ્ટાફ ક્વાર્ટર્સમાં ભારે તારાજી સર્જી છે. કેમ્પસ નદી કિનારે આવેલું હોવાથી ૫ થી ૭ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેના ચિંતાજનક પ્રવાહમાં કોલેજથી શાળા સુધીનો જમીનનો મોટો ભાગ ધોવાઈ ગયો છે. તથા કેમ્પસના મોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. છેલ્લા ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર બનેલી આ હોનારતમાં સંસ્થાના કમ્પ્યુટર્સ, ઝેરોક્ષ મશીનો, ઍસી, માઈક-સંગીતના સાધનો, ઈન્વર્ટર, જીમના ઈલેક્ટ્રિક-નોન ઈલેક્ટ્રિક સાધનો અને રમતગમતની સામગ્રી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈને નષ્ટ થઈ ગઈ છે. આ પૂરને કારણે સૌથી મોટું નુકસાન સંસ્થાના વહીવટી અને શૈક્ષણિક રેકોર્ડને થયું છે, જેમાં દાયકાઓ જૂનો ફિઝિકલ ફાઈલ ડેટા, અગત્યના હિસાબી ચોપડાઅને લોખંડ લાકડાના કબાટોમાં સુરક્ષિત રખાયેલી ફાઈલો પલળીને નાશ પામી છે. આ ઉપરાંત તમામ ફર્નિચર, બેન્ચો, પંખા અને રમતગમતના ડેટાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ અચાનક આવી પડેલી કુદરતી આફતના લીધે બીલીમોરા વિભાગ કેળવણી મંડળ પર ખૂબ જ મોટો આર્થિક બોજો આવી પડ્યો છે, અને સમગ્ર કેમ્પસના માળખાકીય તંત્ર તેમજ ડેટાને પુનઃ પૂર્વવત કરવા માટે મંડળને મોટા પાયે આર્થિક સહયોગની જરૂરિયાત ઊભી થઈ છે.