Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

વલસાડ જિલ્લામાં દારૂના સંગઠિત નેટવર્કને નાથવા ગુજક્ટોક હેઠળ ૬ સામે ગુનો દાખલ

વલસાડ જિલ્લામાં દારૂના સંગઠિત નેટવર્કને નાથવા ગુજક્ટોક હેઠળ ૬ સામે ગુનો દાખલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૩ ઃ દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી સક્રિય ગેરકાયદેસર દારૂના સંગઠિત નેટવર્કને તોડવા માટે વલસાડ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ ઍન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ હેઠળ ગુનો નોંધી ૬ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા જે ૬ આરોપીઓને આ ગુનામાં સંડોવવામાં આવ્યા છે. તેમાં નીલેશ ભુજેન્દ્રસિંહ ઠાકોર, કિરણ બાબુભાઈ પટેલ, ભાવેશ ઠાકોરભાઈ પટેલ, સોહન ઉર્ફે સન્ની કિશોરભાઈ પટેલ, કેયુ રોહિત ભંડારી અને પિંટુ પરશોત્તમ ઘોડિયા પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓમાંથી નીલેશ ઠાકોર અને કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા. ૫ ઓગસ્ટ સવારે ૧૧ વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ બંનેની સઘન પૂછપરછ કરીને સમગ્ર નેટવર્કની કડીઓ ખોલવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ આરોપીઓઍ સંગઠિત ટોળકી બનાવીને ગુજરાતની બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તેનું વિતરણ અને વેચાણ કરતા હતા. પોલીસનું કહેવું છે કે આ ટોળકી માત્ર દારૂના વેપાર પૂરતી મર્યાદિત નહોતી. ટોળકી ધાકધમકી, મારામારી, દસ્તાવેજી ગુનાઓ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિથી મેળવેલી કરોડોની આવકનો ઉપયોગ આરોપીઓ મિલકતો ખરીદવા અને અન્ય ગેરકાયદેસર કાર્યોમાં કરતા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં નીલેશ ભુજેન્દ્રસિંહ ઠાકોર આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ માની રહી છે.
પોલીસ રેકોર્ડ મુજબ નીલેશ ઠાકોર સામે ૩૨, કિરણ પટેલ સામે ૨૩, ભાવેશ પટેલ સામે ૧૪, સોહન ઉર્ફે સન્ની પટેલ સામે ૪૧, કેયુ ભંડારી સામે ૨૫ અને પિંટુ પટેલ સામે ૧૩ ગુના અગાઉથી નોંધાયેલા છે.
ગુજક્ટોક ઍટલે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ ઍન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ. આ કાયદો ૨૦૧૫માં પસાર થયો અને ૨૦૧૯માં અમલમાં આવ્યો. સંગઠિત ગુનાખોરી, ખંડણી, જમીન કબજા, ડ્રગ્સ અને મોટા પાયે બુટલેગિંગ જેવા ગુનાઓમાં તેનો ઉપયોગ થાય છે. આ કાયદા હેઠળ ઓછામાં ઓછી ૫ વર્ષથી લઈ આજીવન કેદ અને લાખોનો દંડ તથા ગેરકાયદેસર મિલકત જ કરવાની જોગવાઈ છે.