વાપીમાં મનપાઍ રખડતા પશુઓ પકડવાનું શરુ કર્યુ
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ વાપી ટાઉન, ચલા વિસ્તાર તેમજ રેલવે સ્ટેશન બહારથી ગાંધી સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો, વાહનચાલકો અને રાહદારીઓ લાંબા સમયથી પરેશાન હતા. વારંવાર અકસ્માતો અને પશુઓના હુમલાના બનાવો બનતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકાઍ ગઈકાલે વાપી ટાઉન ના નેહરુ સ્ટેટ અને હનુમાન મંદિર દેસાઈવાડ વિસ્તારમાં રખડતા છથી વધુ પશુઓને પકડી ટ્રેક્ટરમાં રાખી તેમને રાતા પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરી છે. મનપાની આ કાર્યવાહીથી નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક પશુપાલકો દૂધ આપવાનું બંધ કરેલા પશુઓને રસ્તા પર રખડતા છોડી દેતા હોવાથી શહેરમાં આ સમસ્યા ગંભીર બની છે. વહીવટી તંત્ર અને વાપી મહાનગરપાલિકા દ્વારા આવા પશુપાલકોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે રખડતા પશુઓના કારણે વાપી ટાઉન મા મુખ્ય રસ્તા ઉપર તેમજ આંતરિક રસ્તા ઉપર વાહન અકસ્માતો ઉપરાંત રાહદારીઓ પર હુમલાના બનાવો પણ બની રહ્ના છે. શહેરમાં જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત અભિયાન ચલાવી જવાબદાર પશુપાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્ના છે.
