વલસાડ જિલ્લામાં અસરગ્રસ્તોને રૂ. ૧૬.૬૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૩ ઃ તાજેતરમાં સર્જાયેલી આપત્તિ બાદ વલસાડ જિલ્લામાં પ્રભાવિત લોકોને મદદરૂપ થવા માટે વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં વ્યાપક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરીને ભારે વેગ આપવામાં આવ્યો છે.
વલસાડ પુર નિયત્રણ કક્ષ દ્વારા પ્રા માહિતી અનુસાર તા.૩૦/૦૭/૨૦૨૬ સુધી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મળીને કુલ ૪૬૯૨૭ જેટલા સર્વે કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૦૦૬૦ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૧૬.૬૬ કરોડની સહાય ડીબીટી ધોરણે ચૂકવી દેવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ અને ઘરવખરીની સહાય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કેશ ડોલ્સ સહાય અંતર્ગત ૧૯૧૬૬ પરિવારોને રૂ. ૩.૩૭ કરોડની સહાય તેમના બેંક ખાતા અથવા ચેક મારફતે પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત ઘરવખરી સહાય અર્થે ૧૯૯૮૮ જરૂરિયાતમંદ પરિવારોને રૂ.૯.૯૭ કરોડની સહાય તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે.
માનવ મૃત્યુના ૧૬ કિસ્સાઓ પૈકી ૧૩ કિસ્સાઓમાં મૃતકોના પરિજનોને રૂ.૫૨ લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. અબોલ પશુઓના જીવ ગુમાવવાના કિસ્સામાં પણ ૩૮૯ પશુઓ માટે રૂ.૩૭.૨૧ લાખની સહાય પશુપાલકોને આપવામાં આવી છે. રહેણાંક મકાનોના નુકસાન અંગે ઝૂંપડાં અને કાચા-પાકા મળીને ૫૦૪ મકાન માલિકોને રૂ.૨.૪૨ કરોડની ચૂકવણી થઈ ચૂકી છે.
