Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

વલસાડમાં પારિવારિક વિવાદનો અભયમ મહિલા હેલ્પલાઇનના હસ્તક્ષેપથી સુખદ અંત

વલસાડમાં પારિવારિક વિવાદનો અભયમ મહિલા હેલ્પલાઇનના હસ્તક્ષેપથી સુખદ અંત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ જિલ્લામાં રહેતી ઍક પરિણીત મહિલાઍ પોતાના પતિના લગ્નબાહ્ના સંબંધ, ઘરેલુ વિવાદ, મારઝૂડ તથા પરિવાર પ્રત્યેની બેદરકારીના કારણે માનસિક તણાવ અનુભવતા મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક હસ્તક્ષેપ કરી પીડિતા સાથે વિશ્વાસપૂર્વક વાતચીત કરી સમગ્ર ઘટનાની વિગત જાણી હતી. ત્યારબાદ બંને પક્ષોની અલગ-અલગ રજૂઆત સાંભળી નિષ્પક્ષ રીતે હકીકતો સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પીડિતાના જણાવ્યા મુજબ, તેમના પ્રેમલગ્ન થયા છે અને તેમને ત્રણ વર્ષનો ઍક પુત્ર છે. તેમના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી તેઓ વારંવાર મંદિર જવાના બહાને ઘરેથી નીકળી જતા અને મોડી રાત્રે ઘરે પરત આવતા હતા. શંકા જતાં પીડિતા ઍક દિવસ તેમની સાથે ગઈ હતી, જ્યાં પતિઍ ઍક મહિલાની ઓળખાણ કરાવી હતી. થોડા સમય બાદ તે મહિલા પીડિતાના ઘરે પણ આવી હતી. ત્યારબાદ પીડિતાઍ પતિના મોબાઇલ ફોનમાં બંને વચ્ચે થયેલી વાતચીત તથા સાથે ફરવા ગયાના ફોટોગ્રાફસ જોયા હતાં. આ અંગે પૂછપરછ કરતાં પતિ ઉશ્કેરાઈ જતા, પીડિતા સાથે મારઝૂડ કરતા તેમજ ઘરખર્ચ અને બાળકની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા ન હતા. બાળકના ઉછેરનો મોટાભાગનો ખર્ચ સસરા ઉઠાવતા હોવાથી પીડિતા સતત માનસિક, ભાવનાત્મક અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે બંને પક્ષોનું સંવેદનશીલતા, ધીરજ અને નિષ્પક્ષતા સાથે વિસ્તૃત કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે પતિને સમજાવ્યું કે, વૈવાહિક જીવન વિશ્વાસ, પરસ્પર સન્માન, જવાબદારી અને પારદર્શિતા પર આધારિત છે. લગ્નબાહ્ના સંબંધો માત્ર દંપતી વચ્ચેના વિશ્વાસને જ નહીં, પરંતુ સમગ્ર પરિવારના સુખ, બાળકના માનસિક વિકાસ અને ભવિષ્યને પણ અસર કરે છે.
ટીમ દ્વારા પતિને વધુમાં સમજાવવામાં આવ્યું સાથે જ પીડિતાને પણ તેના કાનૂની અધિકારો, ઉપલબ્ધ સહાય સેવાઓ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મળતી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
 દંપતી વચ્ચે સફળતાપૂર્વક સમાધાન થયું અને પારિવારિક જીવનને નવી દિશા મળી હતી. પીડિતાઍ હાલ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની ઇચ્છા ન હોવાનું જણાવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો