વલસાડ-ગુંદલાવ-ખેરગાર રોડ પર કોઝવેની મરામત કામગીરી શરુ
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા ૩ ઃ વલસાડ-ગુંદલાવ-ખેરગામ રોડ પર કિલોમીટર ૨/૦થી ૧૬/૦ સુધીના માર્ગ પર ગત તા. ૨૩.૦૭.૨૦૨૬ ના રોજ થયેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદી પર આવેલ ડૂબાઉ કોઝવેના ઍ-ોચ અને સરફેસનું ધોવાણ થતાં ભારે નુકસાન થયું હતું. આ નુકસાની બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરીને માર્ગને ટ્રાફિક માટે યોગ્ય બનાવી તા.૨૬.૦૭.૨૦૨૬ના રોજ વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, તારીખ ૩૧.૦૭.૨૦૨૬ના રોજ ફરીથી ખાબકેલા ભારે વરસાદના પરિણામે બ્રિજ ઓવર ટોપિંગ થવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે કોઝવેના ઍપ્રોચમાં ફરી ઍકવાર ધોવાણ થયું હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને રસ્તો ઝડપથી પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા સત્વરે પગલાં લેવામાં આવ્યા છે. વરસાદનું જોર ઘટતાં જ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), વલસાડ દ્વારા મટીરીયલ અને મશીનરીની મદદથી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે વિભાગ દ્વારા ૧૦ અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. આ ટીમોમાં ૭૫ જેટલા શ્રમિકો, ૧૧ જેસીબી મશીન, ૫ ટ્રેક્ટર અને ૨ ડમ્પરનો ઉપયોગ કરીને રસ્તાઓ તેમજ સીડી વર્ક્સના સમારકામની કામગીરી અત્યંત ઝડપથી કરવામાં આવી રહી છે, જેથી નાગરિકો માટે આ માર્ગ વહેલી તકે ફરીથી કાર્યરત કરી શકાય.
