છીપવાડનું ગરનાળું ૧૫ દિવસથી બંધ
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ ગત ૨૩મી જુલાઈના રોજ વલસાડ જિલ્લામાં આવેલા ભારે પૂરના કારણે વલસાડને ખેરગામ સાથે જોડતું અતિ મહત્વનું છીપવાડ રેલવે ગરનાળું વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે ગરનાળામાં નાખવામાં આવેલા પેવર બ્લોક અને ડામરનો રસ્તો ધોવાઈને ઉખડી ગયો હતો, જેને દસ-દસ દિવસ વિત્યા બાદ પણ યથાવત પરિસ્થિતિમાં છોડી દેવાતાં વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્ના છે.
બીજી તરફ, પૂરના પાણીને કારણે ઔરંગા નદીના બ્રિજ પરનો મુખ્ય રસ્તો પણ ધોવાઈ ગયો હતો. જોકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઔરંગા બ્રિજના રસ્તાનું તાત્કાલિક રીપેરિંગ હાથ ધરીને તેને સરખો કરવામાં આવ્યો હતો. ૩૧મી જુલાઈના રોજ ઔરંગા નદીમાં ફરીવાર પૂર આવતાં બ્રિજ પરથી પાણી ફરી વળ્યા હતાં અને બીજી વખત રસ્તો ધોવાઈ ગયો હતો. તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ ફરીથી કરી દેવાયું હોવા છતાં, છીપવાડ ગરનાળું હજુ સુધી બંધ રખાતાં વાહનવ્યવહાર પૂર્વવત થઈ શક્યો નથી.
છીપવાડ ગરનાળું બંધ હોવાના કારણે વલસાડ-ખેરગામ રોડ પર આવેલા ૨૦થી વધુ ગામોના હજારો લોકોને દૈનિક અવરજવર માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્ના છે. શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ, રોજગાર અર્થે વલસાડ આવતા નોકરિયાત વર્ગ, દર્દીઓ અને સામાન્ય મુસાફરોને હવે ગુંદલા થઈને ધરમપુર ચોકડી વાળા રસ્તેથી લાંબો ચકરાવો મારીને વલસાડ શહેર પ્રવેશવાની ફરજ પડી રહી છે. છેલ્લા બે અઠવાડિયાથી ગરનાળાનો રસ્તો બંધ હોવાથી અમારો કિંમતી સમય અને પેટ્રોલ બંનેનો બગાડ થઈ રહ્ના છે. તંત્ર દ્વારા ઔરંગા બ્રિજનું કામ ઝડપથી પતાવાયું તે આવકારદાયક છે, પરંતુ છીપવાડ ગરનાળાનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરીને આ રસ્તો વહેલી તકે ખુલ્લો મુકવામાં આવે તે અત્યંત જરૂરી છે.
ગરનાળામાં પેવર બ્લોક અને ડામરનું કામ તાત્કાલિક પૂર્ણ કરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવે તેવી આજુબાજુના ૧૫થી ૨૦ ગામોના રહીશોની ઉગ્ર માંગ કરી રહ્ના છે.
