વાપીમાં વરસાદી પાણીના નિકાલ બાદ દવાનો છંટકાવ શરૂ
- byDamanganga Times
- 30 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૯ ઃ વાપીમાં તાજેતરના પૂર બાદ નાગરિકોના આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વાપી મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને રોગચાળો નિવારવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષભાઈ પટેલ તેમજ આરોગ્ય વિભાગના ચેરમેન સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂનાના પાઉડરનો છંટકાવ, સફાઈ કામગીરી તેમજ જરૂરી જંતુનાશક પગલાં લેવામાં આવ્યા હતા.
પૂર બાદ પાણીજન્ય અને ચેપી રોગોનું જોખમ વધતું હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્નાં છે અને જરૂરી નિવારક કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાઍ જણાવ્યું છે કે દરેક નાગરિકને સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે તમામ વિભાગો સતત કાર્યરત છે. આ પ્રસંગે મેયર દક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે, પૂર બાદ જન આરોગ્યની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારના રોગચાળાને અટકાવી શકાય તે માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે.
