Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

વલસાડ જિલ્લામાં પૂરથી અસરગ્રસ્તો માટે સહાય પેકેજ કયારે જાહેર થશે ?

વલસાડ જિલ્લામાં પૂરથી અસરગ્રસ્તો માટે સહાય પેકેજ કયારે જાહેર થશે ?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ ગત ૨૩ જુલાઈની રાત્રે દક્ષિણ ગુજરાત તેમજ મધુવન ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક અત્યંત વધી હતી. ડેમની સપાટી જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર ઍક લાખથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. તેના કારણે દમણગંગા, કોલક અને દારૂઢા નદીઓમાં ભારે પૂર આવ્યું હતું. નદીકાંઠાના ગામો તેમજ અનેક ઔદ્યોગિક ઍકમો અને વેપારી સંસ્થાઓમાં પાણી ઘૂસી જતાં  રહેણા વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા અગાઉ સુરતમાં જાહેર કરાયેલા વાણિજ્ય, વેપાર અને સેવાકીય ક્ષેત્ર માટેના રાહત પેકેજનો વિસ્તાર હવે વલસાડ અને નવસારી જિલ્લાઓ સુધી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જાહેર કરાયેલા પેકેજ મુજબ લારી-રેકડી ધારકોને ૭,૫૦૦, નાની કેબિન ધારકોને ૨૫,૦૦૦ અને મોટી કેબિન ધારકોને ૫૦,૦૦૦ની રોકડ સહાય આપવામાં આવશે. જીઍસટી ભરતા પાકા દુકાનદારોને ૧ લાખથી વધુની સહાય આપવામાં આવશે. ઉપરાંત નાના વેપારીઓ, લઘુ ઉદ્યોગો અને સેવાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા અસરગ્રસ્તોને ૨૦ લાખથી ૨૫ લાખ સુધીની લોન માત્ર ૭ ટકા વ્યાજદરે ઉપલબ્ધ કરાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. જોકે, અગાઉ સુરત જિલ્લાના પૂરગ્રસ્તોને વિવિધ પ્રકારની ટેક્સ રાહત આપવામાં આવી હતી.
હવે વાપી, વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વેપારીઓ અને ઉદ્યોગકારોને પણ સમાન પ્રકારની ટેક્સ માફી અથવા રાહત આપવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં માંગ ઉઠી રહી છે. રાજ્ય સરકાર આ માંગ પર શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર મંડાઈ છે.