Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

વલસાડમાં હડકાયેલી ગાયે ૮ લોકોને અડફેટે લીધા

વલસાડમાં હડકાયેલી ગાયે ૮ લોકોને અડફેટે લીધા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ વિસ્તારમાં ગઈકાલે સાંજે ઍક હડકાયું કૂતરુ ગાયને કરડી ગયા બાદ ગાયને પણ હડકવાની અસરો લાગતા ગઈકાલે સાંજે વિસ્તારમાં બેફામ દોડવા લાગી અને રસ્તે ચાલતા કે  ઉભેલા  આઠ લોકોને અડફેટે લેતા  વિસ્તારમાં ભાગદોડ બચી ગઈ હતી. જે અંગે વોર્ડના કાઉન્સિલરે પાલિકા ફાયર બ્રિગેડ અગ્નિ ગૌરક્ષકની ટીમને જાણ કરતા તેમના દ્વારા રાત્રે ૮ઃ૦૦ કલાકે ગાયનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોને મોટી રાહત મળી હતી.
વલસાડ શહેરના વોર્ડ નંબર ૧૦ વિસ્તારમાં ઍક ગાયને હડકવાયું કૂતરું કરડી જતાં તેને હડકવાની અસર થઈ હોવાનો ઍક ગંભીર બનાવ સામે આવ્યો હતો. હડકવાની અસરને કારણે ગાય અચાનક ઉશ્કેરાઈને બેફામ દોડાદોડ કરવા લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતાં પાલિકા  વોર્ડ નંબર ૧૦ ના કાઉન્સિલર વિનોદ શર્મા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમણે તાત્કાલિક   નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ અગ્નિવીર ગૌરક્ષક ટીમનો સંપર્ક કર્યો હતો. તમામ ટીમોઍ સંયુક્ત રીતે સ્થળ પર પહોંચીને ભારે જહમત બાદ ઉશ્કેરાયેલી ગાયને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ સફળ રેસ્ક્યુ કામગીરી પાર પાડી હતી.
પાલિકા કાઉન્સિલર વિનોદ શર્મા, અગ્નિવીર ટીમ અને ફાયર બ્રિગેડની સરાહનીય અને તાત્કાલિક  કામગીરીને કારણે ઍક મોટી હોનારત ટળી હતી, જેને પગલે સ્થાનિક રહીશોઍ રાહતનો શ્વાસ લીધો હતો અને તમામનો આભાર માન્યો હતો.