Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

વાપીને હવે પછી ડૂબતું બચાવવા નગર આયોજનના ફોરેન્સિક અોડિટની જરૂર

વાપીને હવે પછી ડૂબતું બચાવવા નગર આયોજનના ફોરેન્સિક અોડિટની જરૂર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૯ ઃ વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીને લઈ ઠેર ઠેર દર વર્ષે પાણી ભરાવાના બનાવ તેમજ અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે તે માટે જવાબદાર માત્રને માત્ર આડેધડ બાંધકામ માટે આપવામાં આવેલી મંજૂરી તેમજ કુદરતી કાનસ તેમજ કુદરતી ખનકી ને પૂરી દેવાની અને તેના ઉપર બાંધકામ કરાયા હોવાને કારણે દર ચોમાસે વાપીવાસીઓઍ પાણી ભરાવાના બનાવથી મુશ્કેલીમાં મુકાવું પડે છે.
આ અંગે ગુજરાત સરકારના ઍક મહેસુલ વિભાગના તેમજ ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી દ્વારા જણાવાયું કે ગુજરાત રાજ્ય કે દેશના કોઈપણ ભાગમાં આવેલ કોતર  ખનકી, નદી, તળાવ કે નહેર વિભાગની કેનાલને પુરવા માટેની સત્તા કોઈની પણ પાસે કે બંધારણ પાસે નથી ઍટલે કે કુદરતી વહેણનો રૂટ બદલવો શક્ય નથી તો વલસાડ જિલ્લામાં અને ટુકવાડા-વાપી વિસ્તારમાં કુદરતી ખનકી પુરાઈ ગઈ છે અને તેના વહેણ પણ બદલાયેલા છે. તે અંગે મહાનગરપાલિકા તેમજ મામલતદાર વિભાગ અને મહેસુલ વિભાગ દ્વારા જુના નકશા મેળવી દબાણો દૂર કરવામાં આવે તેની જરૂર છે.
વાપીમાં દર વર્ષે ભારે વરસાદ બાદ પાણીના નિકાલ, રસ્તાઓની સફાઈ અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ આ માત્ર કામચલાઉ ઉપાય છે. શહેરને વારંવાર પૂર જેવી સ્થિતિમાંથી બચાવવા હવે સમગ્ર શહેરી આયોજનનું સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ ઉઠી રહી છે.
નિષ્ણાતોના મતે શહેરની તમામ મુખ્ય વરસાદી પાણીની કુદરતી ખનકી, કોતરો અને ડ્રેનેજ માર્ગોનો સર્વે કરી જૂના મહેસૂલ રેકોર્ડ, ટાઉન પ્લાનિંગના નકશા, વિકાસ યોજનાઓ, મંજૂર બાંધકામના નકશા, સેટેલાઇટ તસવીરો અને હાલની સ્થળ પરિસ્થિતિનો અભ્યાસ થવો જોઈઍ.  જ્યાં કુદરતી જળમાર્ગો સાંકડા કરવામાં આવ્યા હોય અથવા તેમના પર બાંધકામ થયું હોય ત્યાં મૂળ પરિસ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માટે કાર્યવાહી જરૂરી છે. સાથે જ શહેરની મોટી સોસાયટીઓ અને કોમર્શિયલ ઇમારતોનું ભૌતિક નિરીક્ષણ કરીને મંજૂર નકશા મુજબ બાંધકામ થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈઍ. રસ્તાની પહોળાઈ, ડ્રેનેજ લાઇન, ર્પાકિંગ, રક્ષણ દિવાલો અને અન્ય અવરોધોનું સ્વતંત્ર માપ પણ જરૂરી બન્યું છે. આ વખતના વરસાદમાં પાણી માત્ર ઘરો અને દુકાનોમાં જ નહીં, પરંતુ શહેરના વિકાસ સંબંધિત મંજૂરીઓ અને આયોજન પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરી ગયું છે. જો કુદરતી જળમાર્ગો પર દબાણ થયું હોય, ડ્રેનેજ માર્ગો અવરોધાયા હોય અને છતાં બાંધકામોને મંજૂરી આપવામાં આવી હોય, તો ઘરોમાં ઘૂસેલું પાણી માત્ર વરસાદી પાણી નથી, પરંતુ આયોજનની નિષ્ફળતા, દેખરેખના અભાવ અને સંભવિત વહીવટી જવાબદારીનું પ્રતિબિંબ છે. વાપીના નાગરિકો હવે દર વર્ષે વરસાદ ખૂબ ભારે હતો જેવા કારણો સાંભળવા માંગતા નથી. તેઓ જાણવા માંગે છે કે શહેરની કુદરતી પાણીની ચેનલો ક્યાં હતી, તે કેવી રીતે બદલાઈ, કોને મંજૂરી આપી અને તે સમયે જવાબદાર અધિકારીઓ શું કરી રહ્ના હતા. કારણ કે મૂળ પ્રશ્ન વરસાદ પડવાનો નથી. મૂળ પ્રશ્ન ઍ છે કે વરસાદી પાણી પોતાના કુદરતી માર્ગે કેમ વહેતું ન રહ્નાં? તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્ના છે.
જોકે દર વર્ષે વાપી માં માત્ર ચાર ઇંચ થી વધુ વરસાદ આવે ઍટલે રેલવેના અંડરબ્રીજ તેમજ નીચાણવાળા ભાગોમાં હંમેશા પાણી ભરાઈ રહે છે જે અંગે તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવે અને જે વિસ્તારમાં સરકારી જમીન તેમજ કુદરતી કાનસ ઉપર દબાણ થયું હોય ત્યાં ખુલ્લા કરાવવાની જરૂર છે. અગાઉ વાપી જીઆઇડીસીથી નીકળતી અને ઉલ્લેખ નદીને મળતી બિલખાડીના કિનારા ઉપર દર વર્ષે વરસાદી પાણીથી લોકોને ભારે નુકસાન થતું હતું. જે અંગે કનુભાઈ દેસાઈ દ્વારા જિલ્લા સંકલનની બેઠકમાં તેમજ વિધાનસભામાં રજૂઆત કરી બિલખા લેના દબાણો દૂર કરાવ્યા અને ત્યારબાદ પાણી ભરાવાના બનાવ બનતા નથી. તેવી કામગીરી વાપી ટાઉનમાં પણ થાય તેવી લોકો નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપર મીટ માંડીને બેઠા છે.