તમામ રસ્તા સિમેન્ટ-કોîક્રિટના બનશે
- byDamanganga Times
- 30 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ ગુજરાત સરકારની કેબિનેટે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંતરિક રસ્તાઓ હવે ડામરના બદલે સિમેન્ટ-કોંક્રિટના બનાવવાનો મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વાપી મહાનગરપાલિકા વિસ્તારના રસ્તાઓ પણ આગામી સમયમાં વધુ મજબૂત, ટકાઉ અને લાંબા સમય સુધી ખાડા મુક્ત રહેવાની આશા કરવામાં આવી રહી છે. હાલમાં વાપીમાં ગાંધી સર્કલથી રેલવે સ્ટેશન સુધી તેમજ જુનો રેલવે અંડરબ્રિજ માર્ગ, અને વાપી ટાઉનના અલકાપુરી સોસાયટી શાકભાજી માર્કેટ વિસ્તાર તેમજ મુખ્ય બજારથી કચી ગામ સાઈબાબા મંદિર સુધીના કેટલાક માર્ગો સિમેન્ટ કોંક્રિટના બનાવવામાં આવ્યા છે. હવે રાજ્ય સરકારના નવા નિર્ણય બાદ વાપી મહાનગરપાલિકાના અન્ય આંતરિક રસ્તાઓ પણ તબક્કાવાર સીસી રોડમાં પરિવર્તિત થશે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ સીસી રોડ બનાવવાનો ખર્ચ ડામરના રસ્તાની સરખામણીઍ અંદાજે ૩૦થી ૪૦ ટકા વધુ થાય છે. તેમ છતાં ભારે વરસાદ, પાણી ભરાવાની સ્થિતિ અને સતત વાહનવ્યવહારનો સામનો કરવામાં સિમેન્ટ કોંક્રિટના રસ્તાઓ વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ સાબિત થાય છે. સરકારનું માનવું છે કે દર વર્ષે ચોમાસા બાદ રસ્તાઓના સમારકામ પાછળ થતો મોટો ખર્ચ ઘટશે તેમજ રસ્તાઓ પર પડતા ખાડાઓની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે, આગામી સમયમાં આ યોજનાનો વ્યાપ ઔદ્યોગિક વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો મા પણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
