વલસાડમાં પત્રકારોની પત્નીઅોનું સહેલી ગૃપ પૂરગ્રસ્તોને વ્હારે આવ્યું
- byDamanganga Times
- 30 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડના રહીશો તા.૨૩ જુલાઈની ભયાવહ કાળરાત્રિ ક્યારેય ભૂલી ન શકશે, જ્યારે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને ઔરંગા નદીના ગાંડાતૂર પ્રવાહે અનેક હસતા-રમતા પરિવારોને રડતા કરી દીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તાર હનુમાન ભાગડા, ભાગડાવાડા, શેઠિયા નગર, કૈલાશ રોડ અને ગોલીબાર સહિતના વિસ્તારોમાં જોતજોતામાં લોકોના આશિયાના અને જીવનભરની કમાણી કાદવ-પાણીમાં ગરકાવ થઈ ગઈ, અમીર હોય કે ગરીબ, સૌની આંખોમાં માત્ર લાચારી અને વેદના તરી રહી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના જે હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા, તે કોઈનું પણ કાળજું કંપાવી દે તેવા હતા. પરંતુ, મુશ્કેલીની આ કારમી ઘડીમાં આ ખમીરવંતા વલસાડના ઘા પર મલમ લગાવવા જિલ્લા વહીવટી તંત્રની સાથે માનવતાનો અવિરત પ્રવાહ પણ વહેતો થયો છે. જેમના કલમથી લોકોના દુઃખને વાચા મળે છે તેવા પત્રકારોના ધર્મપત્નીઓનું હૃદય પણ લોકોની આ પીડા જોઈને દ્રવી ઉઠ્યું, અને સંવેદનાસભર હૈયે તેઓઍ ઍકત્રિત થઈ ‘‘સહેલી ગ્રુપ’’ બનાવી પીડિતોને હૂંફ આપવાનું બીડું ઝડપ્યું છે. આજરોજ આ ‘‘સહેલી ગ્રુપ’’ની મહિલાઓઍ કાદવ ખૂંદીને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી અને સર્વસ્વ ગુમાવી ચૂકેલા, ભૂખ્યા-તરસ્યા જરૂરિયાતમંદોને માતાજીના આશીર્વાદરૂપે કપડાં, સૂકો નાસ્તો, પીવાનું શુદ્ધ પાણી અને મહિલાઓના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરી સેનેટરી પેડ્સનું વિતરણ કર્યું હતું. આ કપરા સમયે પત્રકાર પરિવારની મહિલાઓઍ પીડિતોના આંસુ લૂછીને માનવતા, કરુણા અને માતૃત્વનું ઍક ઍવું હૃદયસ્પર્શી ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની સુવાસ વલસાડમાં હંમેશા મહેકતી રહેશે.
