Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વાપીની વૃધ્ધાને ઠગી ઘરેથી દાગીના સેરવી મહિલા ફરાર

વાપીની વૃધ્ધાને ઠગી ઘરેથી દાગીના સેરવી મહિલા ફરાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ વાપીમાં ફરી ઍકવાર સરકારી અધિકારી બનવાના બહાને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ઠગ ટોળકી સક્રિય થઈ છે. વાપી વોહરા મસ્જિદ લાગુ બિલ્ડિંગમાં રહેતી ૭૧ વર્ષીય વિધવા મહિલા ફરીદા તાહિર પ્રયાસ સાથે બુધવારે સવારે ઠગાઈનો બનાવ બન્યો છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે પેન્ટ અને ટી-શર્ટ પહેરેલી ઍક અજાણી મહિલા ફરીદાબેનના પહેલા માળના ફલેટ પર આવી હતી. તેણે પોતાની ઓળખ નગરપાલિકામાંથી આવતી હોવાનું આપીને વાતોમાં ભોળવી હતી.
તમે વિધવા છો ઍટલે સરકાર તરફથી તમને દર મહિને ૨૫૦૦ રૂપિયા મળશે. પણ તેના માટે તમારું નવું આધારકાર્ડ બનાવવું પડશે. હું તમને નગરપાલિકા ઓફિસે સાહેબ પાસે લઈ જાઉં છું તેમ કહીને ઠગ મહિલાઍ ફરીદાબેનનો વિશ્વાસ જીતી લીધો.
મહિલાઍ પહેલા પોતાની મુંબઈ રહેતી દીકરીને ફોન કરીને વાત કરી તો દીકરીઍ ના પાડી હતી. પરંતુ ઠગ મહિલાઍ સાહેબ પાસે દાગીના પહેરીને જવાનું નહીં, જે પહેર્યા છે તે કાઢી નાખો તેમ કહ્નાં. જે બાદ ફરીદાબેને કાનની રિંગ અને હાથની વીંટી કાઢીને કબાટમાં મૂકવા જતાં ઠગ મહિલાઍ ટીવી પાસે મૂકી દો, જલ્દી જવાનું છે તેમ કહ્નાં.
ત્યારબાદ બંને ઘરને તાળું મારીને નીચે ઉતર્યા. આ દરમિયાન વૃદ્ધા મોબાઈલ ભૂલી ગયા હતા જે ઠગ મહિલા પાછી આવીને આપી ગઈ અને હું રિક્ષા લઈને આવું છું તેમ કહીને ત્યાંથી નીકળી ગઈ.
થોડી વાર બાદ જ્યારે ફરીદાબેન ઘરે પરત ફર્યા અને ટીવી પાસે જોયું તો તેમના મૂકેલા દાગીના ગાયબ હતા. શંકા જતા તેઓ તાત્કાલિક વાપી નગરપાલિકા કચેરીઍ પહોંચ્યા. ત્યાં ખબર પડી કે નગરપાલિકા દ્વારા આ પ્રકારની કોઈ આધારકાર્ડ બનાવવાની કે ઘરે આવીને સહાય આપવાની કામગીરી થતી જ નથી. ત્યારે વૃદ્ધાને સમજાયું કે પોતે ઠગાઈનો ભોગ બન્યા છે.
હાલ આ મામલે વાપી પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સરકારી યોજનાના નામે ઘરે આવનાર કોઈપણ વ્યક્તિની ઓળખપત્ર વગર વાતોમાં ન આવો અને શંકા જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરો.