વાપી શહેર કોંગ્રેસ પ્રમુખનું અચાનક રાજીનામું
- byDamanganga Times
- 29 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ ઍસ. શાહે તા. ૨૮-૦૭-૨૦૨૬ના રોજ પોતાના પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી અપાતા વાપીના રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.
મહેશ શાહે રાજીનામામાં જણાવ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂકીને આ જવાબદારી સોંપી હતી. આ પદ પર રહીને પક્ષ અને જનતાની સેવા કરવાનો અવસર મળવો તેમના માટે ગૌરવની વાત રહી છે.
જોકે તેમણે વધુમાં જણાવ્યું કે ઉંમર વધવાની સાથે વ્યવસાયિક અને વ્યક્તિગત જવાબદારીઓને કારણે તેઓ આ પદને જરૂરી સમય, ધ્યાન અને સંપૂર્ણ સમર્પણ આપી શકતા નથી. તેમની માન્યતા છે કે આટલું મહત્વનું પદ સંપૂર્ણ નિષ્ઠા અને સમય માંગે છે અને તેઓ તેનો સંપૂર્ણ ન્યાયપૂર્વક નિવર્વહ કરી શકતા ન હોવાથી પદ પર યથાવત રહેવું યોગ્ય નથી.
તેમણે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત છે અને પક્ષના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેઓ કોંગ્રેસના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે અગાઉની જેમ જ પ્રતિબદ્ધ રહેશે અને ઍક સામાન્ય કાર્યકર તરીકે પણ પક્ષ અને જનતાની સેવા માટે હંમેશા કાર્યરત રહેશે.
રાજીનામા પત્રમાં તેમણે પ્રદેશ પ્રમુખને પોતાનું રાજીનામું સ્વીકારીને પદની જવાબદારીઓમાંથી મુક્ત કરવાની વિનંતી પણ કરી છે.
તાજેતરમાં યોજાઈ ગયેલી વાપી મહાનગર પાલિકાની ૫૨ માંથી ૧૧ બેઠક જીતાડી સન્માન જનક દેખાવ તેમના નેતૃત્વ હેઠળ કર્યો હતો.
તેમના ઓચિંતના રાજીનામાથી કોંગ્રેસના કાર્યકરોમાં આંચકો અનુભવ્યો છે, હવે વાપી શહેર કૉંગ્રેસ પ્રમુખ પદ કોના શિરે હશે તેની અટકળો તેજ બની છે.
