વલસાડના કાંઠામાં વરસાદી પાણીથી મીઠા ઉદ્યોગને ભારે નુકશાન
- byDamanganga Times
- 29 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના અગરિયા સમુદાય પર મોટો આર્થિક ફટકો પડ્યો છે. અચાનક આવેલ મુસળધાર વરસાદને કારણે કાંઠા વિસ્તારમાં અગરિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલો મીઠાનો પાક પાણીમાં ધોવાઈ ગયો છે.
આ અંગે માહિતી આપતા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, વરસાદના કારણે વલસાડ તાલુકાના ભાગલ, કકવાડી, ધરાસણા, દાંડી, છરવાડા અને ભદેલી દેસાઈ પાર્ટી જેવા દરિયાકાંઠાના ગામોમાં ભારે હોનારત સર્જાઈ છે.
આ ગામોમાં ઉત્પાદિત કરીને રાખવામાં આવેલા હજારો ટન મીઠાના ઢગલાઓ વરસાદી પાણીમાં ઓગળીને ધોવાઈ ગયા છે.
દરિયાકાંઠે અગરિયાઓ મહિનાઓની સખત મહેનત બાદ મીઠાનું ઉત્પાદન કરતા હોય છે. પરંતુ આ કુદરતી આપત્તિના કારણે હજારો ટન પાક નષ્ટ થતાં અગરિયાઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મીઠું ધોવાઈ જતાં સ્થાનિક અગરિયા પરિવારો સામે રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.
ધારાસભ્યઍ અગરિયાઓની વેદના વાચા આપતા આ મામલે સરકાર કક્ષાઍથી યોગ્ય સર્વે કરી નુકસાનગસ્ત અગરિયાઓને ઝડપથી આર્થિક સહાય કે વળતર મળે તેવી રજૂઆત કરવાની ખાતરી પણ આપી છે.
