વલસાડ દાણાબજારનું બગડેલું અનાજ ઔરંગામાં પધરાવવું જાખમી
- byDamanganga Times
- 29 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ ઔરંગા નદીના કિનારે આવેલા વલસાડ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર તંત્રની ઘોર બેદરકારી અને પ્રજાના ટેક્સના નાણાંનો ધુમાડો થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આશરે ૨૦ વર્ષ અગાઉ રૂ. ૪ કરોડથી વધુના અધધ ખર્ચે ખાતર બનાવવા માટે વસાવાયેલું મશીનરી પ્લાન્ટ વર્ષોથી ધૂળ ખાતી બંધ હાલતમાં પડ્યો છે. બીજી તરફ, વલસાડમાં ચોમાસા દરમિયાન આવતા પૂરના કારણે વેપારીઓ અને પાલિકાને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવે છે.
દર વર્ષે ઔરંગા નદીમાં આવતા રેલના પાણીને કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારો જેવા કે છીપવાડ, દાણા બજાર સહિતના વેપારી મથકોમાં પૂરના પાણી ફરી વળે છે. જેના પરિણામે હજારો ટન અનાજ અને કઠોળ પલળીને બગડી જાય છે. આ સડી ગયેલા અનાજનો સદ્ઉપયોગ કરીને તેમાંથી ખાતર બનાવવાની મોટી તક હોવા છતાં, પાલિકા તંત્રની આળસને કારણે આ કચરો સીધેસીધો ઔરંગા નદીના પાણીમાં કે ખુલ્લી જગ્યાઓમાં ફેંકી દેવામાં આવે છે.
જાહેરમાં અને નદીમાં ફેંકવામાં આવતા આ સડેલા અનાજને કારણે દુર્ગંધ ફેલાય છે અને સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થાય છે. જો નગરપાલિકાનું આ ખાતર બનાવવાનું મશીન ચાલુ હાલતમાં હોત, તો પૂર બાદ ઍકત્ર થતાં હજારો ટન બગડેલા અનાજમાંથી જૈવિક ખાતર બનાવી શકાયું હોત. જેનાથી પાલિકાને ખાતરના વેચાણ થકી નવી આવક પણ ઊભી થઈ શકી હોત.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની અન્ય કેટલીક નગરપાલિકાઓ પર્યાવરણ જાળવણી અને આવક વધારવા માટે પ્લાસ્ટિક અને ભીના કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી સફળતાપૂર્વક કરી રહી છે. ત્યારે વલસાડ નગરપાલિકાના શાસકો અને વહીવટદારો કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટને પુનઃ ધમધમતો કરવા માટે ક્યારે જાગશે?
શું વલસાડ પાલિકા આ મશીનરી રિપેર કરાવીને ચાલુ કરશે કે પછી દર વર્ષે પૂર આવ્યા બાદ દાણા બજારનો સડેલો માલ આમને આમ જાહેરમાં ફેંકીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતો રહેશે? તેવા અનેક તીખા સવાલો હાલ વલસાડની જનતા પૂછી રહી છે.
