Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ભીલાડમાં મેમુનું ઍન્જીન ખડી પડતાં ૭ કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો

ભીલાડમાં મેમુનું ઍન્જીન ખડી પડતાં ૭ કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ/વાપી, તા. ૨૮ ઃ પડ્ઢિમ રેલ્વેના ભીલાડ રેલવે સ્ટેશન પાસે બુધવારે સવારે ભરૂચ તરફ જઈ રહેલી મેમુ ટ્રેનનું ઍન્જિન અચાનક પાટા પરથી ઉતરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મુસાફરોને ઈજા થવાના અહેવાલ નથી.
મળતી માહિતી મુજબ, સવારે ૬ ઃ ૨૭ વાગ્યે વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેન ભીલાડના પ્લેટફોર્મ નંબર-૧ પર પ્રવેશ કરી રહી હતી ત્યારે અચાનક ટ્રેનના ડીઍમસી ઍન્જિનના ૪ વ્હિલ પાટા પરથી ઉતરી જતાં   ટ્રેન તરત જ બંધ કરી દેવામાં આવી હતી.  ટ્રેનની ગતિ અત્યંત ધીમી હતી, ઍટલે કોઈ મોટો અકસ્માત સર્જાવાની શકયતા રહી ન હતી. ત્યારબાદ મુસાફરોને તાત્કાલિક સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને  મેડિકલ સાધનસામગ્રી સાથે ટેકનિકલ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. અપ-ડાઉન બંને ટ્રેક પર ટ્રેનોની અવરજવર અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે વલસાડ-સુરત સેક્શન પર કેટલીક લોકલ અને પેસેન્જર ટ્રેનો વિલંબથી દોડી હતી. અનેક ટ્રેનોના સમયપત્રકમાં વિક્ષેપ સર્જાતા વંદે ભારત ઍક્સપ્રેસ, શતાબ્દી ઍક્સપ્રેસ, ગુજરાત ઍક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી ઍક્સપ્રેસ સહિત અનેક મહત્વપૂર્ણ ટ્રેનો કલાકો સુધી મોડી ચાલી હતી. જેના કારણે વડોદરા સહિત વિવિધ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ક્રેન અને રાહત ટીમને બોલાવીને ઍન્જિનને ફરીથી પાટા પર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેલવેના અધિકારીઓઍ જણાવ્યું કે ટ્રેકને થયેલું નુકસાન અને ઍન્જિનના વ્હીલમાં આવેલી ખામીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
કલાકોની મહેનત બાદ બપોરે ૧ઃ૩૩ કલાક સુધી રેલવે ટીમે યુદ્ધના ધોરણે કામ કરીને ટ્રેકને દુરસ્ત કર્યો હતો. ત્યારબાદ ટ્રેનોની અવરજવર પુનઃ શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ ભારે વરસાદને કારણે પારડી અને ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક નજીક માટી ધસી પડવાની ઘટના બની હતી. ત્યારે ફરી ઍકવાર ભિલાડ નજીક ટ્રેનનું ઍન્જિન પાટા પરથી ઉતરતાં મુસાફરોમાં રેલવે સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
રેલવેના ઉચ્ચ અધિકારીઓઍ સમગ્ર ઘટનાનું ગંભીરતાથી સંજ્ઞાન લઈ ભિલાડ ખાતે ઍન્જિન પાટા પરથી ઉતરવાનું ચોક્કસ ટેકનિકલ કારણ જાણવા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને તેના અહેવાલના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.