હનમતમાળ–આવધા માર્ગ પર પુલની રેલિંગનું સમારકામ ક્યારે કરાશે?
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ ઃ ધરમપુર તાલુકાનાં હનમતમાળથી આવધા તરફ જતા મુખ્ય માર્ગ પર દળવીપાડા નજીક આવેલા પુલની રેલિંગ છેલ્લા કેટલાય સમયથી તૂટી જતાં નીચેના ભાગે ગરકાવ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. મહત્વની બાબત ઍ છે કે પુલની રેલિંગ આવેલી જગ્યાઍ મોટો વળાંક હોવાથી અહીં અકસ્માતની શક્યતાને નકારી શકાય તેમ નથી. તેમ છતાં તંત્ર દ્વારા તૂટેલી રેલિંગને ફરીથી યોગ્ય રીતે ઊભી કરી વળાંકવાળી જગ્યાઍ લગાવવાની તસ્દી લેવામાં ન આવતાં બાંધકામ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્ના છે. આ ઉપરાંત પુલની બાજુમાં કરવામાં આવેલ માટીનું પુરાણ પણ ધોવાઈ જતાં માર્ગની સુરક્ષા સામે વધુ ઍક ગંભીર પ્રશ્નો ઊભો થયો છે. હનમતમાળથી આવધા તરફનો આ માર્ગ ૨૪ કલાક વાહનવ્યવહારથી ધમધમતો રહે છે અને સતત વાહનોની અવરજવર વચ્ચે પુલની તૂટેલી રેલિંગ અને ધોવાયેલું પુરાણ ગંભીર જોખમ ઊભું કરી રહ્ના છે. આ અંગે વિસ્તારના સામાજિક કાર્યકર ચંપક ધનગરિયાઍ જણાવ્યું હતું કે, આ માર્ગ પર સતત વાહનવ્યવહાર રહેતો હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તૂટેલી રેલિંગનું યોગ્ય રીતે સમારકામ કરી તેને ફરીથી વળાંકવાળી જગ્યાઍ સુરક્ષિત રીતે ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્ના છે કે, પુલની રેલિંગ તૂટી નીચેના ભાગે ગરકાવ થઈ ગઈ છે અને માટીનું પુરાણ પણ ધોવાઈ ગયું હોવા છતાં તંત્ર ક્યારે જાગશે? શું કોઈ અઘટિત ઘટના ની રાહ જોઈ રહી છે? જાહેર બાંધકામ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાને લઈ રેલિંગનું સમારકામ અને ધોવાયેલું માટીનું પુરાણ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
