Damanganga Times.

Damanganga Times.

July 23, 2026

ચલા-મુક્તાનંદ માર્ગથી કસ્ટમ રોડને જોડતા કેનાલ રોડનું કામ અધૂરું

ચલા-મુક્તાનંદ માર્ગથી કસ્ટમ રોડને જોડતા કેનાલ રોડનું કામ અધૂરું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓના નવીનીકરણ અને નવા માર્ગોના નિર્માણની કામગીરી ચાલી રહી છે, પરંતુ ચલા મુક્તાનંદ માર્ગ પર આવેલા સૂર્યવંશી મોલથી કસ્ટમ રોડને જોડતા કેનાલ રોડનું કામ સમયસર પૂર્ણ ન થતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. આ માર્ગ પર અગાઉ ગટર લાઈનનું કામ પૂર્ણ કર્યા બાદ રસ્તાના નવીનીકરણ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી ધીમી ગતિઍ ચાલતા અને વચ્ચે ચોમાસાની શરૂઆત થતાં આખો માર્ગ કાદવ અને પાણીથી ભરાઈ ગયો છે. પરિણામે વરસાદી પાણીના ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ માર્ગ બલીઠા, ચલા અને વાપી વિસ્તારના રહેવાસીઓ માટે મહત્વનો જોડાણ માર્ગ છે. શાળાઍ જતા વિદ્યાર્થીઓ, સ્કૂલ બસો, નોકરીયાતો તેમજ દમણ તરફ જતા વાહનચાલકો માટે આ ટૂંકો અને સુલભ રસ્તો ગણાય છે. હાલ રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે.

સ્થાનિક રહેવાસીઓ અને આસપાસના મજૂરવર્ગના લોકોને રોજિંદા અવરજવર માટે કાદવ અને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. પગપાળા જતા લોકો પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્ના છે. સ્થાનિકોઍ મહાનગરપાલિકા અને સંબંધિત કોન્ટ્રાક્ટરને વરસાદી મોસમને ધ્યાનમાં રાખી તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે, જેથી લોકોની મુશ્કેલીનો અંત આવે.