Damanganga Times.

Damanganga Times.

July 23, 2026

વાપીમાં મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી

વાપીમાં મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ વાપીના મુખ્ય બજારના કચીગામ રોડ પર આવેલા પૂનમ ફૂટવેરના મકાનની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડતાં વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્થળે દરરોજ વહેલી સવારથી મોડી રાત્રિ સુધી ગેરકાયદે પાથરણાં પાથરી શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે. જો સ્લેબ તે સમયે તૂટી પડ્યો હોત જ્યારે ત્યાં વેપારીઓ અને ખરીદદારોની ભીડ હોય, તો ગંભીર જાનહાનિ સર્જાઈ શકી હોત. ઘટના સમયે આસપાસના લોકોઍ મોટો અવાજ સાંભળીને તાત્કાલિક વાપી ટાઉન ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ વાપી ટાઉન ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોઍ રોડ પર પડેલા કાટમાળને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી તથા  મકાનના બાકીના ભાગની તપાસ કરીને સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા. 

મકાનની આસપાસના વિસ્તારને કોર્ડન કરીને લોકોને દૂર રાખવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વાપી મહાનગરપાલિકાઍ અગાઉ શહેરમાં જર્જરિત અને જોખમી હાલતમાં આવેલા અનેક મકાન માલિકોને નોટિસ આપી મકાનોનું સમારકામ કરવા અથવા ઉતારી લેવા સૂચના આપી હતી. તેમ છતાં કેટલાક માલિકોઍ આ સૂચનાઓની અવગણના કરી હોવાનું સામે આવ્યું છે.