વાપી જલારામ મંદિર પરિસર ડૂબ્યું
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપી શહેરના જમનાનગર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ જલાધામ જલારામ મંદિરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે મંદિર પરિસરમાં વરસાદી પાણી ભરાઈ જતાં આગામી ગુરુવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાતો મહાપ્રસાદનો કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે વાપી મા છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે રસોડા તેમજ મંદિર પરિસરમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવી શક્ય ન હોવાથી ભક્તોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમનાનગર સ્થિત આ જલાધામ જલારામ મંદિર છેલ્લા ૩૦ વર્ષથી પણ વધુ સમયથી દર ગુરુવારે નિયમિત રીતે મહાપ્રસાદનું આયોજન કરતું આવ્યું છે. જોકે, ભારે વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે પ્રથમ વખત આ સેવા અસ્થાયી રીતે સ્થગિત કરવાની ફરજ પડી છે. વાપીમાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. ૪૮ નજીક આવેલું આ જલારામ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. મંદિર ટ્રસ્ટે ભક્તોને સહકાર આપવા તેમજ પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ નિયમિત મહાપ્રસાદની સેવા ફરી શરૂ કરવામાં આવશે તેવી જાણકારી આપી છે.
