Damanganga Times.

Damanganga Times.

July 23, 2026

સેલવાસમાં પ ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

સેલવાસમાં પ ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

સેલવાસ, તા. ૨૨ ઃ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં બુધવારે પડેલા મૂશળધાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું. સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીમાં ૧૩૭.૪ મીમી (૫.૪૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે ઍક દિવસ અગાઉના સમાન સમયગાળામાં નોંધાયેલા ૧૧.૪ મીમી વરસાદ કરતાં લગભગ ૧૨ ગણો વધુ છે. ખાનવેલમાં પણ ૮૮.૫ મીમી (૩.૪૮ ઇંચ) વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે વરસાદને કારણે શહેરની અનેક મુખ્ય તેમજ રહેણાંક વિસ્તારોની સડકો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. અનેક સ્થળોઍ દ્વિચક્રી વાહનચાલકોને પાણીમાંથી પસાર થવું પડ્યું, જ્યારે રાહદારીઓઍ ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થઈને અવરજવર કરવી પડી. દિવસભર અનેક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો રહ્ના.

શહેરમાં ચાલી રહેલા માર્ગ અને અન્ય વિકાસ કાર્યોને કારણે સ્થિતિ વધુ વિકટ બની હતી. અનેક સ્થળોઍ ખોદકામ કરાયેલા રસ્તાઓમાં પાણી અને કાદવ ભરાઈ જતાં વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં જમીન ધોવાણ (સોઇલ ઇરોઝન) થયું હતું. 

 સતત વરસાદને કારણે મધુબન ડેમનું જળસ્તર વધીને ૭૩.૮૫ મીટર થયું હતું. ડેમમાં ૭૯,૬૧૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જ્યારે ૯૫,૯૦૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં હતું. 

બીજી તરફ અથલ બ્રિજનું જળસ્તર વધીને ૨૯.૦૫૦ મીટર થયું હતું, જે ૨૯.૦૦ મીટરની ચેતવણી સપાટીને વટાવી ગયું છે. જોકે તે હજુ પણ ૩૦.૦૦ મીટરના ભયજનક સ્તરથી નીચે છે. મધુબન ડેમમાંથી છોડાતું પાણી પણ ૨.૫૦ લાખ ક્યુસેકના ઍલર્ટ સ્તર કરતાં ઘણું ઓછું છે. પ્રશાસને નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ નદી કિનારા અને પહાડી વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.