અંભેટીમાં બસ ફસાઈ ઃ ૧૬ નો ઉગારો
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ જિલ્લામાં અવિરત અતિભારે વરસાદ વરસી રહ્ના છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રની સર્તકતા અને ઝડપી કામગીરીને પગલે બુધવારે સવારે પાણીમાં પ્રવાહમાં ફસાયેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ત્વરિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ખાનગી બસમાં ૧૬ જેટલા મુસાફરો હતા જેઓઍ પ્રશાસનની ત્વરિત કામગીરીને બિરદાવી હતી.
વલસાડ પુર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રા વિગતો અનુસાર, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામમાં કોપરલી વાપી મુખ્ય રસ્તા ઉપર ઔરંગા પાર નદી પાસે બુધવારે સવારે ૭-૪૫ કલાકે નાસિકની ઍક ખાનગી બસ નં. ડીઍલ-૦૧-બી-૧૬૦૮ વાપી તરફ જઈ રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં ફસાઈ હતી, જે અંગેનો મેસેજ નાનાપોંઢાના મામલતદારશ્રીને મળતા તેમણે સ્થાનિક પોલીસને તાત્કાલિક રવાના કરી હતી. પોલીસ અને ગામના યુવાનોઍ સાથે મળીને ટ્રક સાથે દોરડા બાંધી ખાનગી ટ્રાવેલ્સની બસને સહી સલામત બહાર કાઢી હતી. બસ પાણીના પ્રવાહમાંથી બહાર નીકળતા બસમાં સવાર ૧૬ મુસાફરોઍ રાહત અનુભવી હતી. આ બસમાં ૧૬ મુસાફરોમાં ૬ મહિલા, ૭ પુરૂષ અને ૩ બાળકનો સમાવેશ થાય છે. ત્યારબાદ રોડની બંને તરફ બેરીકેટ ગોઠવી રસ્તો વાહન વ્યવહારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
હાલ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર જિલ્લા પર નજર રાખવામાં આવી રહી છે. જાહેર જનતાને પણ સાવચેત રહેવા અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓ પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવી છે.
