સેલવાસમાં નોટરી સ્ટેમ્પ ટિકિટની અછતથી અરજદારો અને નોટરી વકીલો પરેશાન
- byDamanganga Times
- 16 July, 2026
(દમણગ઼ગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં છેલ્લા અંદાજે બે મહિનાથી નોટરી સ્ટેમ્પ ટિકિટોની અછત સર્જાતા અરજદારો, નોટરી વકીલો તેમજ સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. સ્ટેમ્પ ટિકિટના અભાવે વિવિધ દસ્તાવેજી કામગીરી સમયસર પૂર્ણ થઈ શકતી ન હોવાથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્ના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ શાળા-કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા, વિવિધ પ્રમાણપત્રો તથા અન્ય સરકારી-કાનૂની દસ્તાવેજોની કામગીરીનો સમય હોવાથી નોટરી સ્ટેમ્પ ટિકિટની માંગમાં વધારો થયો છે. પરંતુ સેલવાસમાં ટિકિટ ઉપલબ્ધ ન હોવાથી અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્ના છે. સંબંધિત સરકારી કચેરીમાં પૂછપરછ કરતાં અધિકારીઓ દ્વારા નાસિક સ્થિત કચેરીમાં સ્ટેમ્પ ટિકિટ માટે ઈ-મેલ મોકલ્યાનું જણાવવામાં આવે છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. સેલવાસમાં સ્ટેમ્પ ટિકિટ ઉપલબ્ધ ન હોવાથી અહીંના નોટરી વકીલોને દમણથી સ્ટેમ્પ ટિકિટ મેળવવાની ફરજ પડી રહી છે. જોકે દમણમાં પણ સેલવાસના નોટરી વકીલોને રૂ. ૫,૪૦૦થી વધુ મૂલ્યની સ્ટેમ્પ ટિકિટ ઍકસાથે આપવામાં આવતી નથી. પરિણામે દર ત્રણથી પાંચ દિવસે અંદાજે ૫૦ કિલોમીટરનું અંતર કાપીને દમણ જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્ના છે.
સ્થાનિક લોકો અને નોટરી વકીલોઍ માંગ કરી છે કે સેલવાસ ખાતે નોટરી સ્ટેમ્પ ટિકિટનો પૂરતો જથ્થો નિયમિત ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ સંબંધિત વિભાગ દ્વારા આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવે, જેથી અરજદારોને સમયસર સેવા મળી રહે અને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે ઍવી વ્યવસ્થા કરવાની માંગ કરાઈ રહી છે.
