Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

જિલ્લામાં ડાંગરની ધીમી અને મોડી રોપણી શરૂ

જિલ્લામાં ડાંગરની ધીમી અને મોડી રોપણી શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ ઋતુ અંતર્ગત કૃષિ પ્રવૃત્તિઓ વેગવંતી બની છે. જિલ્લા કૃષિ વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૬૩ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકની રોપણી શરૂ થઈ ચુકી છે. આ વર્ષે મોડા વરસાદ અને અનિડ્ઢિતતાને કારણે ખેડૂતો ચિંતામાં છે.
ગત વર્ષ ઍટલે કે ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લામાં કુલ ૭૩,૯૬૬ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર નોંધાયું હતું. તેની સરખામણીઍ ચાલુ વર્ષે ૨૦૨૬માં હાલમાં રોપણીની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ડાંગર સહિતના અન્ય ખરીફ પાકો માટેના ધરૂવાડિયા સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ધરુની રોપણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
તમામ તાલુકાઓમાં ખરીફ પાકના ધરૂવાડિયા તૈયાર થઈ ચૂક્યા છે. ખેતરોમાં રોપણીની કામગીરી હાલ  ઝડપથી ચાલી રહી છે. કૃષિ નિષ્ણાતોના અંદાજ મુજબ આગામી ૧ થી ૨ અઠવાડિયાની અંદર સમગ્ર જિલ્લામાં રોપણીનું કાર્ય પૂર્ણ કરી લેવામાં આવશે.
ગત વર્ષે કપરાડા તાલુકામાં સૌથી વધુ ૨૧,૭૬૦ હેક્ટર અને ધરમપુરમાં ૧૫૪૮૫  હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં પારડી તાલુકામાં સૌથી વધુ ૨૮૧ હેક્ટર અને ઉમરગામમાં ૨૭૪ હેક્ટરમાં રોપણી સંપન્ન થઈ ચૂકી છે. આગામી દિવસોમાં સારો વરસાદ ચાલુ રહેશે તો વાવેતરનો આંકડો ગત વર્ષની સપાટીઍ કે  તેનાથી પણ પાર પહોંચવાની સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર ખાતર અને બિયારણનો યોગ્ય ઉપયોગ કરવા તથા રોપણી દરમિયાન પાણીના વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપવા સલાહ આપવામાં આવી છે.