વલસાડમાં ઍક જ દિવસમાં પાણીની મુખ્યલાઈનમાં ૩ ભંગાણ
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ શહેરમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને આયોજનના અભાવે પીવાના પાણીની ત્રણ મુખ્ય લાઈનોમાં મોટા ભંગાણ સર્જાયા છે. જેને કારણે લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વહી જતાં ભારે બગાડ થયો છે. ઍક તરફ શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્ના છે, વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ નજીક નગરપાલિકાની પીવાના પાણીની મુખ્ય રાઇઝિંગ લાઇન અચાનક ફાટતા હાઈવે પર પાણીના મોટા ફુવારા ઉડ્યા હતા. જોતજોતામાં લાખો લીટર શુદ્ધ પાણી રોડ પર વહી ગયું હતું. આ ભંગાણને કારણે વલસાડ શહેરના કલ્યાણ બાગ પાણીની ટાંકી પાસેની રાઇઝિંગ લાઇનનો સપ્લાય તાત્કાલિક ધોરણે મોકૂફ રાખવાની ફરજ પડી છે. પાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગ કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી સમગ્ર વલસાડ શહેરમાં પાણી કાપ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. પાલિકાઍ શહેરીજનોને આગામી સમયમાં પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે. બીજી તરફ, વલસાડમાં ધરમપુર રોડ આરપીઍફ પાસે આવેલા પશુપતિનાથ મંદિરની પાછળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન બેદરકારી પૂર્વક ખોદકામ થતાં પાણીની અન્ય ઍક પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. અહીં પણ મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો, જોકે સ્થાનિક તંત્ર દ્વારા આજરોજ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામગીરી હાથ ધરી લાઇન સરખી કરવામાં આવી હતી. અત્યારે વલસાડના અબ્રામા નેશનલ હાઇવે નંબર ૪૮, ડી માર્ટની બાજુમાં આવેલ પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે. ઍક સાથે ત્રણ ત્રણ અલગ અલગ જગ્યાઍ પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીનો બગાડ થતા વલસાડ નગરપાલિકા વિસ્તારના જુના વલસાડ માં પાણી આપવામાં નહીં આવતા રહીશોને ભારે તકલીફો વેઠવી પડી હતી. આ ગંભીર કટોકટી વચ્ચે વલસાડ નગરપાલિકાની વહીવટી પોકળતા પણ છતી થઈ છે. પાલિકાના કારોબારી ચેરમેને જણાવ્યું કે પાલિકાના ચીફ ઓફિસર બારડોલી ખાતે મીટિંગમાં વ્યસ્ત હોવાથી પાલિકાના હોદ્દેદારોના ફોન હતા, જ્યારે મુખ્ય ઈજનેર ૧૫ દિવસની લાંબી રજા પર ઉતરી ગયા છે. પાલિકાઍ અન્ય ઍક ઈજનેરને આ લાઈનનો ચાર્જ સોંપ્યો છે, પરંતુ આડ્ઢર્યની વાત ઍ છે કે આ સિંગલ ઈજનેર પાસે અગાઉથી જ અન્ય ૩ વધારાના ચાર્જ છે! ઍક જ વ્યક્તિ કેટલે પહોંચે બીજી તરફ, પાલિકાના પ્રમુખને આ ગંભીર પરિસ્થિતિમાં કંઈ ઉપજતું ન હોય તેમ સંપૂર્ણ નિષ્ક્રિય જણાતા પાલિકાના સભ્યો અને શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં વલસાડ નગરપાલિકાની હાલત ‘ધણી વગરના ઢોર’ જેવી બની ગઈ છે. અને શહેરીજનો રામ ભરોસે હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્નાં છે.
