Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

વઘઈમાં પશુપાલક ગોષ્ઠી અને નિદર્શન યોજાયું

વઘઈમાં પશુપાલક ગોષ્ઠી અને નિદર્શન યોજાયું


આહવા, તા. ૧૪ ઃ પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, વઘઈ  દ્વારા તથા આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામનાં સયુંકત ઉપક્રમે, વઘઈ તાલુકામાં પશુપાલકો માટે નફાકારક અને સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષયક પશુપાલક ગોષ્ઠી તેમજ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુપાલકોમાં માસ્ટાઇટિસ (આંચળનો સોજો) રોગ અંગે જાગૃતિ લાવવાનો તથા દૂધાળ પશુઓના આરોગ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.કાર્યક્રમ દરમિયાન ડૉ. ઉત્સવભાઈ ઍસ. સુરતી (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન, માસ્ટાઇટિસ રોગના કારણો, તેના લક્ષણો, આર્થિક નુકસાન તેમજ તેના અસરકારક નિયંત્રણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ડૉ. ઍસ. બી. કાપડી (પશુચિકિત્સા અધિકારી) દ્વારા પશુપાલકોને દૂધાળ પશુઓમાં આંચળના આરોગ્યનું મહત્વ સમજાવ્યું તેમજ સમયસર નિદાન અને સારવાર અંગે માહિતી આપી હતી. તદુપરાંત, પશુપાલકોને ટીટ ડીપ કપ ના ઉપયોગ અંગે નિદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોઍ દોહન પૂર્ણ થયા બાદ ટીટ ડીપિંગ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું અને આ સરળ તેમજ અસરકારક પ્રક્રિયા દ્વારા માસ્ટાઇટિસ જેવા આંચળના રોગના સંક્રમણને નોંધપાત્ર રીતે ઘટાડી સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ઉત્પાદન કેવી રીતે શક્ય બને છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. યુ. ઍસ. સુરતી અને ડૉ. ઍસ. બી. કાપડી દ્વારા, ડૉ. ઍમ. ઍમ. ઇસ્લામ (વડા, પી.વી.કે.) ના નેતૃત્વમાં તથા ડૉ. વી. ઍસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) અને ડૉ. જે. ઍસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.