ગણદેવીમાં રોટરી ક્લબ ઓફ પ્રમુખે પદભાર સંભાળ્યો
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૪ ઃ અનાવિલ વાડી ગણદેવી ખાતે રવિવારે રોટરી ક્લબ ગણદેવીનો ભવ્ય શપથગ્રહણ સમારંભ ૬૦૦થી વધુ આમંત્રિતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે વાપીથી પધારેલા ઇન્સ્ટોલિંગ ઓફિસર પીડીજી રુચિર જાની અને મુખ્ય વક્તા પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ ડિરેક્ટર ડૉ. મનોજ દેસાઈની ગરિમામય હાજરીમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ક્લબના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ઍક મહિલા પ્રમુખ તરીકે કછોલીના ફાલ્ગુનીબેન નાયક તથા મંત્રી તરીકે અમલસાડના દીપકભાઈ નાયકની વરણી કરી નવીન બોર્ડ ઓફ ડાયરેક્ટરની ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. સમારંભમાં આઉટગોઇંગ પ્રમુખ શૈલેષ વશી અને સેક્રેટરી પારુલ નાયકે ગત વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો, જ્યારે નવનિયુક્ત પ્રમુખ ફાલ્ગુનીબેને આગામી વર્ષમાં યોજાનાર ટ્રેડ ફેર, વોઇસ ઓફ રોટરી અને ઓર્ગન ડોનેશન જેવા પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી ક્લબના આદ્ય સ્થાપકોને યાદ કર્યા હતા.
આ સમારંભ ક્લબ માટે સેવા ક્ષેત્રે પણ વિશેષ બની રહ્ના હતો, જેમાં શ્રી દેવ ચેરીટેબલ ટ્રસ્ટ,નાની ચોવીસી તરફથી દાતા ઝવેરભાઈ અને પીનાબેન પટેલના સહયોગથી અમૃતમ હોસ્પિટલને ઍક અદ્યતન ઍમ્બ્યુલન્સ ઍનાયત કરવામાં આવી હતી, જેની ચાવી મહેમાનોના હસ્તે અમૃતમ ટ્રસ્ટના પ્રમુખ રાકેશ નાયક અને મંત્રી અમિત નાયકને સોંપી ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ડૉ. મનોજ દેસાઈઍ ઍક વિચારથી દુનિયા બદલવાના ઉદાહરણો આપી અને રુચિરભાઈ જાનીઍ રોટરીના સૂત્રો દ્વારા ક્લબને ઉમદા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય દાતાશ્રીઓ પરિતોષ નાયક અને ઉમંગ નાયકના પ્રતિભાવો બાદ અંતમાં નવનિયુક્ત મંત્રી દીપકભાઈ નાયકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ગણદેવી રોટરીના ઇતિહાસમાં પ્રથમવાર મહિલાના હાથમાં સુકાન સોંપાતા ક્લબમાં ઍક નવા ગૌરવવંતા પ્રકરણનો શુભારંભ થયો છે.
