વાપી અને પારડીમાં ભટકતા ચાર મનોદિવ્યાંગ વ્યક્તિઓનું સફળ રેસ્કયુ
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૧૪ ઃ વલસાડ જિલ્લાના વાપી અને પારડી વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાઓ પર ભટકતા ચાર મનોદિવ્યાંગ વ્યક્તિઓનું માનવ પરિવાર ટ્રસ્ટ, પાલીતાણા દ્વારા સફળતાપૂર્વક રેસ્કયુ કરવામાં આવ્યું છે. આ માનવતાભરી કામગીરી રિલીફ ફાઉન્ડેશન ગ્રુપના સંકલન તથા સ્થાનિક સેવાભાવી આગેવાનોના સહયોગથી સંપન્ન થઈ હતી. મળતી માહિતી મુજબ, વાપી અને પારડી વિસ્તારમાં ત્રણ મહિલા તથા ઍક પુરુષ મનોદિવ્યાંગ હાલતમાં રસ્તા પર રઝળતા હોવાનું ધ્યાનમાં આવતા માનવ પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંસ્થાના સંચાલક ધવલભાઈ ભાયાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના નીરવભાઈ મોરડીયા અને અશ્વિનભાઈ અસલલિયા સ્થળ પર પહોંચ્યા અને શાંતિપૂર્ણ રીતે ચારેય વ્યક્તિઓને સમજાવી સુરક્ષિત રીતે રેસ્કયુ કર્યા હતા. રેસ્કયુ દરમિયાન સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોઍ પણ ટીમને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. ત્યારબાદ ચારેય વ્યક્તિઓને સંબંધિત પોલીસ મથકે લઈ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને યોગ્ય સારવાર, સંભાળ અને પુનર્વસન માટે માનવ પરિવાર ટ્રસ્ટ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતભરમાં મનોદિવ્યાંગ, નિરાધાર, રઝળતા અને બિનવારસી ભાઈ-બહેનોને આશરો, સારવાર અને સન્માનપૂર્ણ જીવન આપતી માનવ પરિવાર ટ્રસ્ટની સેવાકીય કામગીરીને સ્થાનિક લોકોઍ બિરદાવી હતી. સંસ્થાની આવી કામગીરી અનેક નિરાધાર લોકો માટે આશાનું કિરણ બની રહી છે. આ પ્રસંગે સંસ્થાના સંચાલક ધવલભાઈ ભાયાણીઍ અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ વિસ્તારમાં ભટકતી અથવા મનોદિવ્યાંગ વ્યક્તિ નજરે પડે તો તરત જ માનવ પરિવાર ટ્રસ્ટનો ૯૭૧૨૦૪૯૧૨૬ નંબર પર સંપર્ક કરી માનવતાના આ સેવાયજ્ઞમાં સહભાગી બનવું જોઈઍ. સમયસર મળતી માહિતીથી આવા જરૂરિયાતમંદ લોકોને સુરક્ષિત જીવન અને યોગ્ય સારવાર મળી શકે છે.
