વાપી ડેપો ઉપર રાત્રે ૧૦ બાદ ઍક પણ બસની ટ્રિપ નહીં, મુસાફરોને ભારે હાલાકી
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી ઍસટી ડેપો ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પરનું મહત્વનું પરિવહન કેન્દ્ર છે. દિવસ દરમિયાન અહીંથી આશરે ૩૫૦ જેટલી બસોની ટ્રિપ ચાલે છે અને હજારો મુસાફરો તેનો લાભ લે છે. વાપી, દમણ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં જવા માટે લોકો મોટા પ્રમાણમાં ઍસટી બસોનો ઉપયોગ કરે છે. પરંતુ રાત્રે ૧૦ વાગ્યા બાદ વાપી ડેપો ઉપરથી ઍક પણ બસની ટ્રિપ ન મળતી હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મોડી રાત્રે નોકરીથી છૂટતા કર્મચારીઓ, દર્દીઓ અને બહારગામથી આવતા મુસાફરોને છેલ્લી બસ ચૂકી જતા કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા મોંઘા ભાડે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. મહિલાઓ અને વૃદ્ધોને રાત્રે ડેપો હાઈવે ઉપર હોય સુરક્ષાનો પણ પ્રશ્ન સતાવે છે. મુસાફરોની માંગ છે કે રાત્રે ૧૨ વાગ્યા સુધી ઓછામાં ઓછી ૨-૩ ટ્રિપ સુરત, નવસારી અને વલસાડ રૂટ પર શરૂ કરવામાં આવે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વાપી ઔદ્યોગિક નગરી હોવાથી શિફટમાં કામ કરતા લોકોની સંખ્યા વધુ છે. જો રાત્રીની બસ સેવા શરૂ થાય તો હજારો લોકોને રાહત મળશે અને ઍસટી તંત્રની આવકમાં પણ વધારો થશે.
