Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

ગોમતીપાડામાં તેરા (તેરા હોવાન)ની પરંપરાગત અનોખી ઉજવણી કરાઈ

ગોમતીપાડામાં તેરા (તેરા હોવાન)ની પરંપરાગત અનોખી ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૩ ઃ ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન સદીઓથી ચાલી આવતી અનોખી પરંપરા તેરા હોવાનની આ વર્ષે પણ શ્રદ્ધા, ઉત્સાહ અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે વિવિધ ગામોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો આ લોકોત્સવ આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ છે, જે માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સામૂહિક ઍકતાનો પણ સંદેશ આપે છે. ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગોમતીપાડા ખાતે આદિવાસી ભાઈ-બહેનોઍ વહેલી સવારે જંગલમાં કુદરતી રીતે ઊગતા તેરાં (અળવી)ના પાનની વિધિવત પૂજા-અર્ચના કરી ધરતી માતા અને પ્રકૃતિનો આભાર વ્યક્ત કર્યો હતો. આદિવાસી પરંપરા મુજબ આ દિવસથી જ તેરાંના પાનનું પ્રથમ સેવન કરવામાં આવે છે, જેને શુભ શરૂઆત અને કુદરતના આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે. પૂજા બાદ સમગ્ર વિસ્તારમાં લોકગીતો, પરંપરાગત નૃત્ય અને સામૂહિક મિલનનો માહોલ જોવા મળ્યો હતો. વડીલોથી લઈને યુવાનો અને બાળકો સુધી સૌઍ ઉત્સાહભેર આ લોકોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગ્રામજનોઍ ઍકતા, ભાઈચારો અને પોતાની સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેરાસનના દિવસે ગામના લોકો ભેગા મળી વર્ષભરના કેટલાક સામૂહિક નિયમો અને વ્યવસ્થાઓ પણ નક્કી કરે છે. મજૂરીના દર, ખેતી માટે જરૂરી ટેમ્પા, ટ્રેક્ટર સહિત અન્ય કૃષિ સાધનોના ભાડા તથા ભાવ અંગે સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે છે. આ દિવસ બાદ જ ઘણા વિસ્તારોમાં રોપણીના કામની સત્તાવાર શરૂઆત કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલા સામૂહિક નિયમોનું જો કોઈ ઉલ્લંઘન કરે તો તેને પરંપરા મુજબ દંડ ભરવાનો નિયમ પણ અમલમાં છે, જે ગામમાં શિસ્ત અને ઍકતા જાળવવાનું મહત્વનું માધ્યમ માનવામાં આવે છે. આધુનિક યુગમાં જ્યાં અનેક પરંપરાઓ ધીમે-ધીમે લુ થતી જાય છે, ત્યાં ધરમપુર-કપરાડાના આદિવાસી સમાજ દ્વારા આજે પણ આવી પ્રાચીન પરંપરાઓને જાળવી રાખવાનો પ્રયાસ નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહ્ના છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને સામૂહિક ઍકતાનો અનોખો સંગમ ગણાતો તેરાસનનો આ લોકોત્સવ આજે પણ આદિવાસી જીવનશૈલી અને તેમની પ્રકૃતિ પ્રત્યેની અતૂટ આસ્થાનો જીવંત પરિચય કરાવે છે. તેરાસનની ઉજવણીના અંતે રાત્રિના સમયે આદિવાસી વાજિંત્રોના મધુર તાલે યુવક-યુવતીઓ, વડીલો અને બાળકો પરંપરાગત નૃત્ય અને નાચગાન સાથે ઉત્સવની આનંદમય ઉજવણી કરે છે, જે આદિવાસી સંસ્કૃતિની જીવંત ઓળખ અને સામૂહિક ઍકતાનું અનોખું પ્રતીક બની રહે છે.