દમણથી પ્રથમ કોમર્શિયલ ફલાઈટ પૂર્વે પ્રશાસકે નમો ઍરપોર્ટનું નિરીક્ષણ કયુ*
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૩ ઃ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે આજે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલા નમો ઍરપોર્ટનું નિરીક્ષણ કર્યું. ૧૬ જુલાઈથી દમણથી નવી દિલ્હી વચ્ચે શરૂ થનારી પ્રથમ કોમર્શિયલ ફલાઇટને ધ્યાનમાં રાખીને તેમણે તૈયારીઓની સમીક્ષા કરી.
નિરીક્ષણ દરમિયાન પ્રશાસકે ઍરપોર્ટ ટર્મિનલ, મુસાફરો માટેની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, ચેક-ઇન કાઉન્ટર તેમજ આગમન અને પ્રસ્થાન વિભાગની વિસ્તૃત મુલાકાત લીધી. તેમણે સંબંધિત અધિકારીઓને પ્રથમ ફલાઇટના સફળ સંચાલન માટે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા અને મુસાફરોને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.
પ્રફુલ પટેલે જણાવ્યું કે નમો ઍરપોર્ટ દમણના વિકાસ માટે ઍક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ઍરપોર્ટ શરૂ થતાં દમણને નવી દિલ્હી સહિત દેશના અન્ય મોટા શહેરો સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મળશે, જેના કારણે પ્રવાસન, વેપાર, રોકાણ અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
ઉલ્લેખનીય છે કે નમો ઍરપોર્ટનું તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ લોકાર્પણ કર્યું હતું. હવે ૧૬ જુલાઈથી દમણ-નવી દિલ્હી વચ્ચે પ્રથમ કોમર્શિયલ ફલાઇટ શરૂ થતાં પ્રદેશની હવાઈ કનેક્ટિવિટીનો નવો અધ્યાય શરૂ થશે.
