Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

મુરદડમા દારૂની લતથી ત્રાસેલા પુત્રઍ કુહાડી ઝીંકતાં પિતાનું મોત

મુરદડમા દારૂની લતથી ત્રાસેલા પુત્રઍ કુહાડી ઝીંકતાં પિતાનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૨ ઃ   ધરમપુર તાલુકાના મુરદડ ગામમાં કૌટુંબિક વિખવાદનો કરુણ અંત આવ્યો છે. દારૂના નશામાં પરિવાર પર સતત ત્રાસ ગુજારતા પિતાની તેના જ બે સગા પુત્રોઍ હુમલો કરતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગત રોજ બનેલી આ ઘટનાઍ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે.

પોલીસ તપાસ મુજબ મુરદડ ગામના બામણ ફળિયામાં રહેતા ભરતભાઈ મોતીરામભાઈ પવાર (ઉં. ૪૬)ને દારૂ પીવાની લત હતી. તેઓ અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પત્ની, બંને પુત્રો અને પરિવારજનો સાથે ગાળાગાળી, મારામારી તેમજ તોડફોડ કરતા હતા. લાંબા સમયથી ચાલતા આ ત્રાસના કારણે પરિવારમાં સતત વિવાદ રહેતો હતો.

ગત ૧૦ જુલાઈની સાંજે ભરતભાઈ  નશાની હાલતમાં ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પુત્રો સાથે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આવેશમાં આવી મોટા પુત્ર વિઠ્ઠલ પવારે ઘરમાં પડેલી કુહાડીના લાકડાના હાથાથી પિતાના માથામાં ત્રણ ઘા માર્યા હતા, જ્યારે બીજા પુત્ર યોગેશ પવાર પણ ઘટનાસ્થળે હાજર હતો. ગંભીર ઇજાગ્રસ્ત ભરતભાઈને પ્રથમ વલસાડ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ૧૧ જુલાઈની વહેલી સવારે તેમનું મોત થયું હતું.

આજરોજ ધરમપુરના ઍઍસપી ડૉ. સંદીપ ટી.ઍ જણાવ્યું હતું કે  પ્રાથમિક તપાસમાં પરિવાર પર લાંબા સમયથી થતા ત્રાસના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મૃતકના મોટા ભાઈ ઈશ્વરભાઈ પવારની ફરિયાદના આધારે પોલીસે વિઠ્ઠલ પવાર અને યોગેશ પવાર સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.