દાંતીના તોફાની દરિયામાં ફસાયેલી ગૌમાતાનો ઉગારો
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ તાલુકાના દરિયાકાંઠાના દાંતી ગામના તોફાની અને ગાંડાતૂર બનેલા દરિયામાં ફસાયેલી ઍક ગૌમાતાને સ્થાનિક જીવદયા સંસ્થા શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશનની ટીમ દ્વારા ભારે જહેમત બાદ હેમખેમ બચાવી લેવામાં આવી છે. વલસાડના દાંતી ગામના દરિયામાં અચાનક કરંટ વધવાને કારણે અને ઊંચા મોજા ઉછળવાના લીધે ઍક ગૌમાતા દરિયાના ઉથલપાથલ થતાં પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી. દરિયાનું વહેણ તેજ હોવાથી ગૌમાતા કિનારે આવવા માટે લાચાર બની હતી અને ડૂબી જવાનો મોટો ખતરો તોળાઈ રહ્ના હતો. સ્થાનિક લોકોઍ આ અંગે તુરંત જ જીવદયાના કાર્યો કરતી સંસ્થા શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશનને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક તમામ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરિયાના પાણીનો પ્રવાહ તેજ હતો અને તોફાની મોજા સતત રેસ્ક્યુ ટીમ માટે પડકાર ઉભો કરી રહ્ના હતાં. જીવના જોખમે ટીમના સભ્યોઍ દરિયાના પાણીમાં ઉતરીને ગૌમાતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. કલાકોની ભારે જહેમત, સુઝબુઝ અને સ્થાનિક લોકોના સહકારથી ગૌમાતાને દોરડા વડે સુરક્ષિત રીતે બાંધીને તોફાની મોજાંઓ વચ્ચેથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતા કિનારે આવતા જ સૌ કોઈઍ રાહતનો શ્વાસ લીધો હતો. સમયસર મળેલા રેસ્ક્યુને કારણે ગૌમાતાનો જીવ બચી ગયો છે. શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશનની ટીમની આ બહાદુરી અને જીવદયાના કાર્યને વલસાડ પંથક સહિત સોશિયલ મીડિયા પર લોકો બિરદાવી રહ્ના છે.
