સેગવીની વાંકી નદી પુલ પાસે ગેસ લાઈનમાં ભંગાણ
- byDamanganga Times
- 11 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ તાલુકાના સેગવી ગામની વાંકી નદીના પુલ નજીક ચાલી રહેલા જેસીબી ખોદકામ દરમિયાન અચાનક મુખ્ય ગેસ લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું. ગેસ લાઈન તૂટતાની સાથે જ મોટા પાયે ગેસ લીકેજ થવા લાગ્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આટલી ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવા છતાં, સંબંધિત વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.
જ્યારે આ ગેસ લીકેજની ઘટના બની ત્યારે કંપની કે તંત્રનો ઍકપણ જવાબદાર કર્મચારી સ્થળ પર ડોકાયો ન હતો. ગેસ લીકેજ જેવી સંવેદનશીલ અને જોખમી બાબતમાં પણ તંત્રની આવી નિષ્કાળજીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
વાંકી નદીના પુલ પાસે અચાનક ગેસ લીકેજનો અવાજ આવતા જ લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. ગેસ હવામાં પ્રસરવાને કારણે મોટી દુર્ઘટના થવાનો ડર હતો, છતાં કોઈ કર્મચારી સમયસર મદદે ન પહોંચ્યો. સદનસીબે, ગેસ લીકેજ દરમિયાન કોઈ સ્પાર્ક કે આગ ન લાગવાને કારણે ઍક મોટી હોનારત ટળી ગઈ છે.
જો સમય રહેતા આ લીકેજને સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે, તો આસપાસના રહેણાંક વિસ્તારો માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. હાલમાં સ્થાનિક લોકો દ્વારા આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
