ધરમપુરના બરૂમાળમાં વીઍચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષે મુલાકાત લીધી
- byDamanganga Times
- 11 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૦ ઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર ચાર દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન બરૂમાળ સ્થિત શ્રી સદગુરુધામ પહોંચ્યા હતાં. અહીં તેમણે પરમપૂજ્ય આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રા કર્યા તેમજ શ્રી સદગુરુધામ ખાતે ચાલી રહેલી ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી.
ત્યારબાદ તેમણે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આનુષંગિક સંગઠનોના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ મંદિર, ધર્માંતરણના પડકારો તેમજ હિંદુ સમાજને સંગઠિત અને સશક્ત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી કાર્યકર્તાઓને સંગઠન મજબૂત બનાવવા, ધાર્મિક જાગૃતિ અને સેવા પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાના માર્ગદર્શન આપ્યા હતા. આ પ્રસંગે સંતો, સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં હિંદુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.
